નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીની ઉપસ્થિતિમાં પોષણ માસ સંદર્ભે યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું કે, બાળકના શારીરિક, માનસિક, બૌદ્યિક અને સામાજિક વિકાસનો પાયો મજબુત કરવા માટે બાળકોમાં પોષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ મહત્વનો પાયો છે.
વધુમાં પન્નુએ સંકલિત બાળ વિકાસ યોજનાના તમામ ઇન્ડિકેટર્સનું મોનીટરિંગ કરીને આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, તાલુકાના સી. ડી. પી. ઓ., મુખ્ય સેવિકાઓ અને આંગણવાડી વર્કરોના કામગીરીનું ઝીણવટપૂર્વક નીરિક્ષણ કર્યું હતું. આ સાથે શ્રી પન્નુએ બાળકો, કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માતાઓને મળતા પોષણક્ષમ આહાર અને (બાળશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના) ટેક હોમ રેશનને રોજિંદા ખોરાકમાં નિયમિત સમાવેશ કરાવવા કેટલાંક રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શિત કર્યા હતા.
સાથોસાથ બાળકના સર્વાંગી વિકાસ અને તંદુરસ્તી માટે ખુબ જ અગત્યના પ્રારંભિક ૧૦૦૦ (હજાર) સુવર્ણ દિવસ દરમિયાન લેવાતી કાળજી અંગે પણ સક્રિય રહીને સમજણ પુરું પાડવા જણાવ્યું હતું. ઉપરાંત, બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસમાં સક્રીય રસ લઈને કુપોષણ, શાળા અને આંગણવાડીમાં બાળકોની નિયમિત હાજરી અને ડ્રોપ આઉટ ઘટાડવું, માનસિક વિકાસ માટે લેવાની કાળજી અંગે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવા માટે સૂચનો આપ્યા હતા. અંતે સૌએ પોષણ માસ સંદર્ભે સામુહિક પોષણ પ્રતિજ્ઞા લીધી હતી.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વશ્રી સુશ્રી ભૂમિકા રાઉલ અને સુશ્રી પીનાકીની ભગોરા, ડી. આર. ડી. એ. ડાયરેક્ટર જે. કે. જાદવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત, જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યાં હતા.