ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-રાજપીપલા દ્વારા ૧૫મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યોમાંથી સહભાગી બનેલા યુવાનો સાથે રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો હેતુ સમજાવતા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આદિવાસી યુવાનોમાં આપણા રાષ્ટ્રીય જીવનના સાંસ્કૃતિક સિદ્ધાંતો, ભાષા, જીવનશૈલી, કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને રોજગારની તકો ઉજાગર કરવા તેમજ સમાજ અને યુવાનોનો સર્વાંગી વિકાસ થાય, વિકાસની વિવિધ તકો મળે તે હેતુથી ભારત સરકારના યુવા મંત્રાલય તેમજ ગૃહ મત્રાલયના સહયોગથી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આદિવાસી યુવાનો માટે આ પ્લેટફોર્મ પુરૂં પાડ્યું છે. વિકાસની રફતારને આગળ ધપાવવા માટે શિક્ષણ સૌથી મહત્વનું પરિબળ હોય આદિવાસી સમાજનું યુવાનો નેતૃત્વ કરતા થાય તે માટે સૌને શિક્ષિત થવા ઉપર ભાર મૂક્યો હતો. સાથો સાથ વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે પ્રત્યેક નાગરિક ભાગીદારી નોંધાવે તે માટે યુવાનો અન્ય લોકોને માર્ગદર્શિત કરી ભારત સમૃદ્ધ રાષ્ટ્ર બને તે દિશામાં કાર્ય કરવા સૌને અપીલ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, નેહરૂ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર શ્રીમતી મનિષાબેન શાહે પણ પ્રેરક માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરિક્ષણ કરી યુવાનો એક ભારત-શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને જોવા-જાણવા સાથે સ્થાનિક આદિવાસી પોષાક, રહેણીકરણી અને પરંપરાગત ખોરાક અંગેની જાણકારી મેળવશે.
નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઝારખંડ, ઓડીશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના જુદા જુદા જીલ્લા જેવા કે, ચતરા, ગિરીડીહ, લાતેહાર, વેસ્ટ સીન્ધભુમ, સરાઈકેલા-ખર્સાવન, મલકાનગીરી, કાલાહાંડી, વિશાખાપટ્ટનમ, ભાદ્નાદારી-કોથાણુદેમમાંથી કુલ ૨૦૦ યુવાઓ અને તેમની સાથે ૨૦ ટીમ લીડરો સહભાગી બન્યા છે.
રાજપીપલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજપીપલા નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, અગ્રણીશ્રી ગૌરાંગભાઈ બારિયા, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.બારડ, નહેરૂ યુવા કેન્દ્ર-નર્મદાના જિલ્લા યુવા વિકાસ અધિકારી સચિન શર્મા, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપભાઈ દેસાઈ સહિત નહેરૂ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.