ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત કરવા માટે ત્રણ મહિલા ધારાસભ્યોને મંત્રીપદ પર સ્થાન આપ્યું છે, જે રાજ્યની રાજનીતિમાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને પ્રગટ કરે છે. આ ત્રણેય મહિલાઓ—મનીષા વકીલ, રીવાબા જાડેજા અને દર્શના વાઘેલા—રાજ્યના અલગ અલગ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના અનુભવ અને યુવા ઊર્જાનું સંતુલન મંત્રીમંડળમાં જાળવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે સાથે પ્રાદેશિક સંતુલન પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
મનીષા વકીલ વડોદરા શહેરની ધારાસભ્ય છે અને એમ.એ., બી.એડ. અને પીએચ.ડી. (અંગ્રેજી સાહિત્ય) સુધીની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે બ્રાઇટ ડે સ્કૂલમાં શિક્ષિકા અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી. મનીષા વકીલ 2012, 2017 અને 2022માં સતત ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે અને 2022માં 1,30,705 મતોના મોટા માર્જિનથી જીત મેળવી હતી. 2021માં પ્રથમ વખત મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી બનીને તેઓ મંત્રીપદ પર આવેલી અને 2025ના નવા મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મેળવ્યું છે.
રીવાબા જાડેજા, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય અને યુવા નેતા, મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે અને તેમના પિતા હરદેવ સિંહ સોલંકી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. રીવાબા જાડેજાએ ‘માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ’ નામનું NGO શરૂ કર્યું છે, જે મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત છે. રાજકારણમાં તેઓ વર્ષ 2019માં જોડાયા અને અગાઉ કરણી સેનાની મહિલા વિંગના વડા તરીકે ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે 2016માં લગ્ન કરી એક પુત્રીના માતા છે.
દર્શના વાઘેલા, અમદાવાદ જિલ્લામાં અનામત આસારવા મતવિસ્તારની ધારાસભ્ય, બી.કોમ. સુધી અભ્યાસ પૂર્ણ કરી ચુક્યા છે. તેઓ રાજ્યની રાજનીતિમાં પ્રવેશતા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂકી છે અને બે વખત (એક-એક વર્ષના કાર્યકાળ માટે) અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી, 2025ના નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવાથી અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પગલાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ગુજરાત સરકાર મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ નિર્ણય મંત્રીમંડળમાં અનુભવી અને યુવા, અનુભવી અને પ્રાદેશિક પ્રતિનિધિત્વનું સંતુલન જાળવવાની દૃઢ નીતિ દર્શાવે છે, જે આગામી રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel