આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને પગલે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઘોડાપૂરની જેમ ઉમટી પડી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના પછીથી ભક્તજનો “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના નાદ સાથે મંદિર પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા. મહાદેવની પ્રાતઃકાલિન પૂજા, વિશેષ શ્રૃંગાર અને આરતીના દ્રશ્યો જોઈને ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
આ દિવસે ખાસ કરીને સવારે 8:30 વાગ્યે પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાદેવને સ્વરૂપે શોભાયાત્રા નીકળતાં જાણે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય તેવો ભવ્ય દૃશ્ય સર્જાયો હતો. તીર્થ પુરોહિતો, યાત્રિકો અને ટ્રસ્ટના પદાધિકારીઓ સહિત હજારો ભક્તોએ આ યાત્રામાં ભાગ લીધો હતો. આજના દિવસે દેશ-વિદેશથી ભક્તો પહોચ્યા હતા, જેમાં નેપાળથી આવેલ શ્રદ્ધાળુઓ અને સંત-મહાત્માઓ પણ સામેલ થયા હતા. વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરતા આ ભક્તિમય માહોલે સમગ્ર સોમનાથધામને આધ્યાત્મિક છાયાથી ઘેરી લીધું હતું.
ગઈકાલ રાતથી જ વેરાવળ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તોએ પદયાત્રા કરી સોમનાથ મહાદેવના દર્શન માટે ઉપસ્થિત થયા હતા. તેઓ માટે સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા ઠેર ઠેર પાણી, શરબત અને પ્રસાદી વિતરણ માટે સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં પણ સોમનાથ ટ્રસ્ટ અને શ્રદ્ધાળુઓ દ્વારા પ્રસાદ વિતરણનું ભવ્ય આયોજન કરાયું હતું. સમગ્ર સ્થળે સુરક્ષા વ્યવસ્થા કડક રીતે અમલમાં મુકાઈ હતી, જેમાં પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર યાત્રિકોની સરળતાથી દર્શન કરે તે માટે 24×7 સજ્જ રહ્યું હતું.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. તેમણે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા બાદ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, સોમનાથમાં સતત આધુનિક સુવિધાઓનો વધારો થઇ રહ્યો છે અને કોરિડોરના આયોજન અંગે ધીરે ધીરે ઢાંચો ઉભો થતો જોવા મળશે. તેમનો ઉલ્લેખ હતો કે કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જેવા ધામોમાં જેમ કોરિડોર બનાવાયા છે, તેમ સોમનાથ મહાદેવ મંદિર પણ ભવિષ્યમાં યાત્રિકો માટે વધુ આધુનિક અને સગવડયુક્ત બનશે.
આજેના પવિત્ર સોમવારે આશરે 15 હજારથી વધુ ભક્તોએ વહેલી સવારે મહાદેવના દર્શન કર્યા હતા અને સાંજ સુધીમાં આ આંકડો 50 હજાર સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શ્રાવણ માસમાં સોમવારના પર્વે સોમનાથ ધામ ધર્મ, ભક્તિ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું કેન્દ્રબિંદુ બની રહે છે, અને આજનો દિવસ તેનો જીવંત સાક્ષી બની રહ્યો.