ફટાકડાના કારણે વધતા હવા અને અવાજ પ્રદૂષણને અટકાવવા તથા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનરે મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. આવનારી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ આગ, અકસ્માત કે જાનહાનિ ન બને અને સાથે પ્રદૂષણનું સ્તર નિયંત્રણમાં રહે તે હેતુથી શહેરમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ અંગે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ આદેશ મુજબ અમદાવાદ શહેરમાં માત્ર PESO દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ગ્રીન ફટાકડા’ના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો અનુસાર નાતાલ અને નવા વર્ષની પૂર્વ રાત્રે રાત્રે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી, એટલે કે માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની છૂટ રહેશે. શહેરમાં ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ જ ગ્રીન ફટાકડા વેચી શકશે, જ્યારે ઓનલાઈન વેચાણ અને વિદેશી ફટાકડાના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા બેરીયમયુક્ત ફટાકડા અને ફટાકડાની લડીઓ પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રોક લાગુ રહેશે. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને ‘સાયલન્ટ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત પેટ્રોલ પંપ, ગેસ સ્ટોરેજ વિસ્તારો અને ગીચ બજારો જેવા સંવેદનશીલ સ્થળોએ પણ આતશબાજી કરવાની મનાઈ રહેશે.
ખાસ કરીને ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી હવામાં ઉડતી આતશબાજીથી આગ કે મોટી દુર્ઘટનાનો ખતરો ટાળી શકાય. પોલીસ તંત્ર દ્વારા નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel