ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો છે. આ સન્માન ભારતીય ખોરાક સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) દ્વારા આપવામાં આવ્યું છે, જે પાટણ જિલ્લાના તમામ રહેવાસીઓ અને સાયન્સ સેન્ટરના મુલાકાતીઓ માટે ગર્વની વાત છે.
“ઈટ રાઈટ કેમ્પસ” પહેલના મુખ્ય ચાર માપદંડો છે – ખોરાકની સલામતી, પોષણયુક્ત ખોરાક, પર્યાવરણીય દૃષ્ટિએ ટકાઉ ખોરાક અને ખાદ્ય જાગૃતિ. આ સન્માન સાયન્સ સેન્ટરની આરોગ્યપ્રદ અને સલામત ખોરાક માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે મુલાકાતીઓને ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરે છે.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ આ અવસરે જણાવ્યું કે, “આ સિદ્ધિ માત્ર સન્માન નથી, પરંતુ એક જવાબદારી છે. અમે આરોગ્યદાયક જીવનશૈલીના પ્રચાર માટે પણ કાર્ય કરીએ છીએ.” તેઓએ ઉમેર્યું કે આ પહેલથી વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે ઝુકાવ વધશે અને આથી એમના શારીરિક તેમજ માનસિક વિકાસમાં સહાયરૂપ બનશે.
આ એવોર્ડ દ્વારા પાટણ સાયન્સ સેન્ટરે રાજ્ય અને દેશના અન્ય સંસ્થાઓ માટે એક પ્રેરણારૂપ દ્રષ્ટાંત સ્થાપ્યો છે.