ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટા ફેરફારો કર્યા છે. ધોરણ 3થી 8માં અત્યાર સુધી અમલમાં રહેલી પખવાડીક (એકમ) કસોટી પદ્ધતિને સંપૂર્ણપણે રદ કરીને, તેના સ્થાને ત્રિમાસિક કસોટી પદ્ધતિ અમલમાં લાવવામાં આવી છે. આ બદલાવ ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોને આધારે કરવામાં આવ્યો છે, જેમાં 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ કરવાનો નિર્ણય થયો છે. હવે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ સાથે તેમની બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની સિદ્ધિઓ પણ મૂલ્યાંકનમાં સમાવાશે. આ માટે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) તૈયાર કરવામાં આવશે, જેમાં શિક્ષક, સહપાઠી, વિદ્યાર્થી અને વાલી — ચારેયના મૂલ્યાંકનોનો સમાવેશ થશે.
નવી પદ્ધતિ અનુસાર, દર સત્રમાં તમામ વિષયો માટે 40-40 ગુણની એક-એક કસોટી લેવાશે અને તેનો સમયગાળો 15 દિવસનો રહેશે. પ્રથમ ત્રિમાસિક કસોટી 18થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ, કોર્પોરેશન સંચાલિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં એકસાથે લેવાશે. આ કસોટી માટે 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે અને સ્કૂલો પોતપોતાનું ટાઈમટેબલ નક્કી કરી શકશે. મહત્વની બાબત એ છે કે હવે આ કસોટીના માર્ક્સ પણ અંતિમ પરિણામમાં ઉમેરાશે, જ્યારે અગાઉ એકમ કસોટીના માર્ક્સ ફાઈનલ પરિણામમાં સામેલ થતા ન હતા.
સત્રાંત પરીક્ષાના કાર્યક્રમ મુજબ, પ્રથમ સત્રાંત પરીક્ષા 6 થી 14 ઓક્ટોબર દરમિયાન લેવાશે. ધોરણ 3થી 5માં 40 ગુણની અને ધોરણ 6થી 8માં 80 ગુણની આ પરીક્ષા રહેશે. સરકારી શાળાઓ માટે કોમન પ્રશ્નપત્ર રહેશે, જ્યારે ખાનગી શાળાઓ પોતાનું પ્રશ્નપત્ર તૈયાર કરી શકશે. અંતિમ પરિણામ હવે કુલ 200 ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. આમ, ધોરણ 9થી 12ની જેમ ધોરણ 3થી 8માં પણ સત્રાંત પરીક્ષા નવરાત્રી બાદ યોજાશે.
આ નવી વ્યવસ્થા શિક્ષણમાં નિયમિતતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વર્ષ દરમિયાન સતત મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા માટે અમલમાં લાવવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel