લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે જેમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર એનડીએની બનશે પરંતુ વિપક્ષમાં કોંગ્રેસને બેસાડશે. પરિણામોએ સૌ કોઈને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠક છે તો બીજી તરફ એનડીએની પણ બેઠક થવાની છે. હવે ક્યારે અને કેવી રીતે સરકાર બનશે એ જોવું રહ્યું. બીજી તરફ ગુજરાતમાં પણ ભાજપે એક બેઠક ગુમાવી છે.
વડાપ્રધાન મોદીએ બોલાવી કેબિનેટ બેઠક
લોકસભા ચૂંટણી-2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત અનુસાર, ભાજપને 240, કોંગ્રેસને 99, સમાજવાદી પાર્ટીને 37, TMCને 29, DMKને 22, TDPને 16, JDUને 12, શિવસેના (UBT)ને 9, NCP (પવાર જૂથ)ને 8 બેઠકો મળી છે. આજે, બેઠકોનો રાઉન્ડ દિલ્હીમાં ચાલુ રહેશે, જ્યાં એનડીએ સાંજે 4 વાગ્યે બેઠક યોજવા જઈ રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાંજે 6 વાગ્યે મંથન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠક બોલાવી છે.
આજે ઈન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક
લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને સારો દેખાવ કર્યો છે. સાથે સાથે કોંગ્રેસે પણ પોતાની સીટોમાં વધારો કર્યો છે. હવે ઇન્ડિયા ગઠબંધન વિપક્ષમાં બેશસે કે પછી કોઈ જોડતોડની નીતિથી સરકાર બનાવવા પ્રયાસ કરશે. એ અંગે આજે મહત્વની બેઠક થવા જઈ રહી છે.
શેર માર્કેટમાં ઐતિહાસિક કડાકા બાદ આજે કેવું રહેશે બજાર
લોકસભા ચૂંટણી પરિણામમાં ભાજપની સ્પષ્ટ બહુમતી પર ખતરો દેખાતા અને અન્ય પરિબળોના પગલે શેર માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો. હવે પરિણામો આવી ચૂક્યા છે ત્યારે આજે શેર માર્કેટની ચાલ કેવી રહેશે એ જોવું રહ્યું.