રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે દ્વારા તાજેતરમાં જ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવાની સમીક્ષાની માગ કરાઈ હતી. સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’એ આ બંને શબ્દોને વિચારધારાથી પ્રેરિત વિસ્ફોટક સુરંગ ગણાવી કહ્યું છે કે આ શબ્દોનો ઉદ્દેશ ધાર્મિક મૂલ્યોને નબળા પાડવાનો અને રાજકીય તુષ્ટીકરણને ઉત્તેજન આપવાનો હતો. ‘ઓર્ગેનાઇઝર’ના એક લેખમાં બંધારણમાંથી બંને શબ્દો હટાવી બંધારણની મૂળ પસ્તાવના બહાલ કરવાની હિમાયત કરાઈ છે.
ડૉ. નિરંજન બી. પૂજારે આ લેખ લખ્યો છે, જેને “પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષતા પર પુનર્વિચાર : ભારતની બંધારણીય અખંડિતતા પુનઃ પ્રાપ્ત કરવી” શીર્ષક અપાયું છે. લેખમાં જણાવાયું છે કે આ શબ્દોને પ્રસ્તાવનામાં જોડવા એ માત્ર સૌંદર્યવાળો બદલાવ નહોતો પણ આ એક વિચારધારા થોપવાનો પ્રયાસ હતો, જે ભારતની સભ્યતાની ઓળખ અને બંધારણીય લોકશાહીના આત્માથી વિપરીત છે.
આ શબ્દો ૪૨મા બંધારણ સુધારાના માધ્યમથી કટોકટી (૧૯૭૫-૭૭) દરમિયાન ઉમેરાયા હતા. તે સમયે સંસદો દબાણ હેઠળ કામ કરી રહી હતી. વિપક્ષી નેતાઓ જેલમાં હતા અને મીડિયા પર સેન્સરશિપ લાગુ હતી. આ એક બંધારણીય દગો હતો. જેમ કે કોઈ વ્યક્તિ બેભાન હાલતમાં હોય અને તેની વસિયત સાથે ચેડાં કરવામાં આવે. ભારતમાં ધર્મનિરપેક્ષતાની પરિભાષા તેની મૂળ ભાવનાથી ભટકી ગઈ છે. ધર્મનિરપેક્ષતા હવે તટસ્થતાનું પ્રતીક ન રહેતા લઘુમતી અધિકારોના નામે હિન્દુઓ વિરુદ્ધ રાજ્ય પ્રાયોજિત ભેદભાવનું આવરણ બની ગઈ છે. ભારત ક્યારેય સમાજવાદી દેશ નથી રહ્યો કે ‘નાસ્તિક ધર્મનિરપેક્ષ’ દેશ તેના મૂળમાં નથી રહ્યો.
આ શબ્દોને હટાવવા એ કોઈ વૈચારિક આગ્રહ નહીં પણ બંધારણીય પ્રમાણિકતાની બહાલી, રાષ્ટ્રીય ગરિમાની પુનઃસ્થાપના અને રાજકીય પાખંડનો અંત છે. ભારતે બંધારણની એ પ્રસ્તાવના પર પાછા ફરવું જોઈએ કે જેને બંધારણ સભાએ સ્વીકારી હતી.