આરએસએસનાં વડા મોહન ભાગવતે તેમનાં રાજસ્થાનનાં ૪ દિવસનાં પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે RSSનાં શતાબ્દી વર્ષનો હેતુ દેશમાં શિસ્તબદ્ધ અને મજબૂત હિન્દુ સમાજનું સર્જન કરવાનો છે. રાજસ્થાનનાં બારન જિલ્લામાં ધર્માદા ધર્મશાળા ખાતે તેમણે સંઘનાં પ્રાદેશિક નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠકમાં ઉપર મુજબ સંકેતો આપ્યા હતા. શતાબ્દી વર્ષની ઉજવણીનાં સંદર્ભમાં તેમણે કાર્યક્રમોની રૂપરેખા ઘડીને તેનો વ્યાપ વિસ્તારવા તેમજ વિવિધ મુદ્દે સંકલન સાધવા કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. ભાગવતે કહ્યું કે શતાબ્દી વર્ષની ઉજવણી એક ફેસ્ટિવલ તરીકે કરવાને બદલે સંગઠિત, મજબૂત અને શિસ્તબદ્ધ હિન્દુ સમાજનું નિર્માણ કરવાનો હોવો જોઈએ જેથી સંઘનાં સ્થાપકનું સપનું સાકાર કરી શકાય. આ માટે સંઘ મહેનત કરી રહ્યું છે અને પરિણામ સુધી પહોંચશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
દરેક ગામડાં અને શહેરોમાં સંઘનું કાર્યક્ષેત્ર વધારવા અપીલ
ભાગવતે સ્થાનિક સ્તરે કામકાજ કરવાની સાથે સંઘનું કાર્યક્ષેત્ર દેશનાં દરેક ગામડાં અને દરેક શહેરો સુધી વિસ્તારવા કાર્યકરોને હાકલ કરી હતી. આ માટે સંઘને સમર્પિત સ્વયંસેવકોની સંખ્યામાં મોટો વધારો કરવા તેમણે કહ્યું હતું. સંઘની સ્થાપનાને ૨૦૨૫માં ૧૦૦ વર્ષ પૂરા થાય છે.