સુપ્રસિદ્ધ શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં એક અમૂલ્ય અને શ્રદ્ધાયુક્ત દાન અર્પણ કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને ભાવનાની જીવંત અભિવ્યક્તિ છે. અમદાવાદના એક અનામ શ્રદ્ધાળુ પરિવારે સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત રૂ. 46 લાખની કિંમતનું આશરે 40 કિલોગ્રામ ચાંદીનું ભવ્ય દાન અર્પણ કર્યું છે. આ દાનમાં ચાંદીના શોભાયમાન દરવાજા, છત્ર અને થાળીનો સમાવેશ થાય છે, જેને માતાજીના પવિત્ર ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના સૂત્રો અનુસાર, આ ચાંદીમાંથી ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિર માટે જાળીના દરવાજા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ભેટ પૂજાપાઠ અને ધાર્મિક વિધિ દ્વારા મંદિરના વહીવટી અધિકારીઓ અને ટેમ્પલ ઇન્સ્પેક્ટરે સ્વીકારી હતી.
દાતા પરિવાર, જે પોતાની ઓળખ ગુપ્ત રાખવા ઈચ્છે છે, એમણે આ દાનના માધ્યમથી મા અંબા પ્રત્યેની શ્રદ્ધા અને માન્યતાનું ઉદાહરણ સ્થાપ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટે દાતા પરિવારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આવા નિઃસ્વાર્થ દાનથી મંદિરના વિકાસ અને ભક્તજનોની સુવિધા માટે થતી કામગીરીઓને નવી દિશા અને વેગ મળે છે. આ ઉદારતા માત્ર ધર્મસંસ્કૃતિનું, પણ માતાજી પ્રત્યેની ગાઢ ભક્તિ અને અખંડ શ્રદ્ધાનું દ્રષ્ટાંત છે, જે અન્ય ભક્તોને પણ પ્રેરણા આપશે.