કારગિલ વિજય દિવસ પર ભારતીય સેનાના નવા પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની રક્ષા તૈયારી અને સેનાની ભવિષ્યની દિશા અંગે વિશદ રીતે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપતા જણાવ્યું કે હવે આતંકવાદને પોશણ આપનારા શરમજનક તત્વોને છૂટ આપવામાં નહીં આવે. તેમણે કહ્યું કે ઓપરેશન ‘સિંદૂર’માં ભારતીય સેનાએ જે સિદ્ધાંતો પર કામ કર્યું હતું, તે જ દૃષ્ટિકોણ હવે પણ અપનાવવામાં આવશે.
જનરલે જણાવ્યું કે સેનાની લડાયક ક્ષમતા વધારવા માટે નવી રણનીતિથી આગળ વધવામાં આવી રહ્યું છે. ‘રુદ્ર’ નામે નવી ઓલ આર્મ્સ બ્રિગેડ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં પાયદળ, મિકેનાઇઝ્ડ પાયદળ, ટાંકોની યુનિટ્સ, આર્ટિલરી, સ્પેશ્યલ ફોર્સિસ અને ડ્રોન જેવી અદ્યતન માનવરહિત હવાઈ પ્રણાળીઓનો સમાવેશ કરાયો છે. આથી સેના કોઈ પણ પ્રકારના હુમલાનો ઝડપી અને ઘાતક જવાબ આપી શકશે.
તેમજ, તેમણે ‘ભૈરવ’ નામની નવી લાઇટ કમાન્ડો બટાલિયન પણ શરૂ કરવાની જાહેરાત કરી. આ યુનિટ અત્યંત ઝડપી અને મજબૂત હોવાની સાથે ઊંચી લડાઈ ક્ષમતા ધરાવતી હશે, જે વિશિષ્ટ મિશન માટે નિયુક્ત કરવામાં આવશે. દરેક ઇન્ફન્ટ્રી બટાલિયનમાં હવે ‘ડ્રોન પ્લાટૂન’ પણ તહેનાત કરાઈ રહી છે, જે ટેક્નોલોજી આધારિત વ્યુહરચનામાં અગત્યની ભૂમિકા ભજવશે.
તેઓએ વધુમાં કહ્યું કે ‘દિવ્યાસ્ત્ર બેટરી’ અને લોઇટર મ્યુનિશન બેટરી જેવા નવા તત્વોની તહેનાતીથી ભારતીય સેના હવે વધુ ઘાતક અને મજબૂત બની છે. આ ફાયરપાવર વધારો ભારતની રણનીતિક જમાવટ માટે ઐતિહાસિક પગલું છે.
જનરલ દ્વિવેદીએ પાકિસ્તાન માટે સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, હવે જે દેશ આતંકવાદને આશ્રય આપે છે, તેના માટે સહાનુભૂતિ કે સમજુતીની ભાષા નહીં, પરંતુ કડક કાર્યવાહી જ જવાબ રહેશે.