પહલગામ હુમલાના 16 દિવસ બાદ સેના, પોલીસ અને એસઓજી સહિતની સુરક્ષાદળોની ટીમને તપાસમાં સફળતા મળી છે. પુંછ જિલ્લાના સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. મોડી રાત્રે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આ વિસ્તારમાંથી પાંચ IED, વાયરલેસ સેટ અને અમુક કપડાં મળી આવ્યા છે.
ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ, SOGની ટીમે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં હરી મરહોટ ગામમાં આવેલા જંગલ વિસ્તારમાંથી પાંચ IED, બે રેડિયો સેટ, કોમ્યુનિકેશન ડિવાઈસિસ, ત્રણ ધાબળા, અને અન્ય ગુનાહિત ચીજો મળી આવી હતી. ટિફિન બોક્સ, સ્ટિલના ડબ્બામાંથી IED મળી આવ્યા હતા. આ ચીજો પરથી લાગી રહ્યું છે, આતંકવાદીઓએ આ સ્થળે છુપાયા હતા. સુરક્ષાદળો વીડિયો સર્વેલન્સ, ડ્રોન મારફત આતંકવાદીઓની શોધ કરી રહ્યા છે.
Jammu & Kashmir | Hideout busted in Hari Marote village in Surankot sector of Poonch district with recovery of five IEDs, say Poonch Police
(Source: Poonch Police) pic.twitter.com/HO36EbKPza
— ANI (@ANI) May 5, 2025
પહલગામ હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ, કુલગામ, પુલવામા, ત્રાલ, સોપોર, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જેવા આઠ જિલ્લાઓમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકવાદીઓએ ક્રૂર હુમલો કરી 26 નિર્દોષના જીવ લીધા હતા. 17 લોકો ઘાયલ પણ થયા હતા.
NIAએ કર્યો મોટો ખુલાસો
NIAએ આ હુમલા બાદ તૈયાર કરેલા રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છએ કે, હુમલામાં સામેલ આતંકવાદીઓને મિલિટ્રી ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ આતંકવાદીઓને પાકિસ્તાન પોષી રહ્યો હોવાની બાતમી મળી છે. ISI સુરક્ષા એજન્સીઓને વધુને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે. પાકિસ્તાન LOC અને કાશ્મીરમાં આતંકવાદીઓના નાના-નાના જૂથ તૈયાર કરી તેમને ટ્રેનિંગ આપી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.
પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન
પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સળંગ 11માં દિવસે જમ્મુ-કાશ્મીર LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓ પર ઉશ્કેર્યા વિના નાના હથિયારો વડે હવામાં ગોળીબાર કર્યો છે. રક્ષા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામૂલા, પૂંછ, રાજૌરી, મેંઢર, નોશેરા, સુંદરબની અને અખનૂરમાં આવેલી LOC પર ગોળીબાર કરી રહી છે. ભારતીય સેના પર તેનો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતે ગઈકાલે સિંધુ જળ સંધિ પર રોકના ભાગરૂપે ચિનાબ નદીના પાણી રોક્યા હતાં.