2023નું વર્ષ ખતમ થઇ રહ્યું છે. આ વર્ષે ભારતની સુપ્રીમ કોર્ટે ઘણા એવા ફેંસલા સુણાવ્યા હતા જેથી વર્ષોથી ચાલ્યા આવતા વિવાદ ખત્મ થઇ ગયા હતા. તેમાં કલમ 370ની સંવૈધાનિક માન્યતા, જલ્લીકટ્ટુ, સમલૈંગિક વિવાહના ચુકાદાનો સમાવેશ થાય છે. આ વર્ષે સુપ્રીમ કોર્ટે ઘણા મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા હતા.
આ વર્ષે કાયદાકીય રૂપથી સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદાને હંમેશા માટે યાદ રાખવામાં આવશે તે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને ખતમ કરવાના કેન્દ્રના ચુકાદાને મંજુરી આપનાર ઐતિહાસિક ચુકાદાથી જોડાયેલ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેંસલાને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર પાસે ભારતમાં વિલય બાદ આંતરિક સંપ્રભુતાનો અધિકાર નથી.
સજાતીય લગ્ન
આ ઉપરાંત, ઓક્ટોબર માસમાં સુપ્રીમે સમલૈંગિક જોડીઓના લગ્ન બાબતે પણ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહને કાયદાકીય મંજુરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પાંચ જજની સંવિધાન પીઠે 3-2 બહુમતી ધરાવતા પોતાના ફેંસલામાં કહ્યું હતું કે આ રીતની મંજૂરી ફક્ત સંસદ દ્વારા કાયદો બનાવીને અપાઈ શકાય છે.
ચૂંટણી કમિશનરની નિમણૂક
આ વર્ષે સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે માર્ચમાં ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પેનલ દ્વારા કરવામાં આવશે. આ પેનલમાં વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા સામેલ હશે.
જલ્લીકટ્ટુ
તમિલનાડુના પારંપરિક જલ્લીકટ્ટુની રમતને મંજુરી આપનાર કાયદાની માન્યતા ઉપર પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને ચુકાદો આપ્યો હતો. મે માસમાં આપેલા આ ચુકાદામાં કોર્ટે તેને કાયદાકીય માન્યતા આપી હતી. સુપ્રીમ કોર્ટના ફેંસલામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નવા કાયદામાં પશુ ક્રુરતાના દરેક વિષયને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.
છુટાછેડા માટે વેટિંગ પીરિયડ
પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પરસ્પર સહમતીથી છૂટાછેડા માટે છ માસ માટે અનિર્વાય વેટીંગ પીરીયડને ખતમ કરી દીધો હતો. સંવિધાન પીઠે પોતાના ફેંસલામાં જણાવ્યું હતું કે જો પતિ-પત્ની વચ્ચે સમાધાનનો કોઈ માર્ગ ન બચ્યો હોય તેવા સંજોગોમાં અદાલત સંવિધાનની કલમ 142 હેઠળ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને છૂટાછેડાને તાત્કાલિક ધોરણે મંજુરી આપી શકે છે.
અન્ય ચુકાદાઓ
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વર્ષ 2023ના મુદ્રાંકિત દસ્તાવેજો અને તેમની સ્વીકાર્યતાથી સંબંધિત મધ્યસ્થતા મામલે, સામાન્ય લાઇસન્સ પર ભારે વાહન ચલાવવા, સેવાઓના નિયંત્રણ પર દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે વિવાદનોઅંત, મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના બે જૂથો જેવા અન્ય મહત્વપૂર્ણ મામલાઓ પર કાયદાકીય સુનાવણી કરી હતી અને ચુકાદો આપ્યો હતો.