ભારતના ઇતિહાસને લઈને એક મોટો તર્ક હંમેશાં ઊઠતો રહ્યો છે કે આપણને શાળાઓમાં કે મુખ્યધારાના પુસ્તકોમાં જે ભણાવવામાં આવ્યું છે, તેમાં અનેક મુદ્દાઓ એકતરફી રીતે રજૂ કરાયા છે. પ્લાસી અને બક્સરના યુદ્ધોની તારીખો, અંગ્રેજ શાસન ક્યારે શરૂ થયું અને ક્યારે પૂરું થયું, કયા અંગ્રેજ અધિકારીએ કયા પ્રકારના સુધારા કર્યા – આ બધું પાઠ્યપુસ્તકોમાં વિગતવાર સમજાવવામાં આવ્યું. અકબરને ‘મહાન’ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો, પરંતુ એ જ સમયગાળામાં કે પછી કેટલી મંદિરો તોડી પાડવામાં આવી, કેટલાં મંદિરોને અપમાનિત કરવામાં આવ્યા – એની ક્યારેય ચર્ચા કરવામાં આવી નથી. 1946ના ડાયરેક્ટ એક્શન ડે પર કલકત્તામાં થયેલા ભયાનક દંગલાંમાં હજારો હિંદુઓની હત્યા કરવામાં આવી હતી, પરંતુ આ બાબત ઇતિહાસના પાઠોમાં બહુ ઓછું કે કંઈ જ સ્થાન પામી નથી. 1975ની ઇમરજન્સી દરમિયાન થયેલા અધિકાર હનન, રાજકીય વિરોધીઓ પર થયેલા અત્યાચાર કે 1990માં કાશ્મીરમાં હિંદુઓ પર થયેલા નરસંહાર – જ્યાં રાતોરાત તેમને ‘ભાગી જાઓ, ઇસ્લામ કબૂલ કરો અથવા મરી જાઓ’ જેવી ધમકીઓ મળી અને તેમને પોતાની જ વતનમાંથી બહાર થવું પડ્યું – એની વાત પણ મુખ્યધારાના ઇતિહાસમાં કે સાંસ્કૃતિક અભ્યાસમાં ખાસ ક્યારેય સાંભળવામાં આવી નથી. કારણ સ્પષ્ટ છે – ઇતિહાસ લખનારા અને તેને પ્રસરાવનારા વર્ગોએ ઈચ્છાપૂર્વક આ મુદ્દાઓને અવગણ્યા છે.
આ જ રીતે ફિલ્મ જગતને ‘સમાજનું દર્પણ’ કહેવાય છે, પણ મોટાભાગની ફિલ્મો વાસ્તવિકતાનો પ્રતિબિંબ બતાવવા કરતાં, એક ચોક્કસ વિચારધારાનો પ્રભાવ દર્શાવતી રહી છે. અહીં પણ એક એવો વર્ગ પ્રબળ રહ્યો છે, જે સેક્યુલરિઝમના નામે અસલ ઘટનાઓને પડછાયામાં મૂકે છે. પરિણામે જે પીડા, જે નરસંહાર, જે ઐતિહાસિક અણ્યાયો આપણા સમાજે સહન કર્યા છે, તે સિનેમા કે મુખ્યધારાના મિડિયા મારફતે જનમાનસ સુધી પહોંચી શક્યા નથી.
આ ગાઢ મૌનને તોડવાનો પ્રયાસ વિવેક રંજન અગ્નિહોત્રીએ કર્યો. 2022માં તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ પહેલી વાર 1990માં કાશ્મીરમાં હિંદુઓએ સહન કરેલા નરસંહારને મોટા પડદે મૂક્યો. આ ફિલ્મ માત્ર એક કલા કૃતિ ન રહી, પણ સત્યને પ્રગટ કરનારી દસ્તાવેજ બની. હવે તેઓ ‘ધ બેંગાલ ફાઈલ્સ’ લઈને આવ્યા છે, જે 1946ના ડાયરેક્ટ એક્શન ડે અને ત્યારબાદના નોઆખલી રમખાણોની કરુણ કથા રજૂ કરે છે. ફિલ્મમાં દર્શન કુમાર મુખ્ય પાત્રમાં છે, જેમણે ‘કાશ્મીર ફાઈલ્સ’માં પણ અભિનય કર્યો હતો. આ નેરેટિવથી સ્પષ્ટ થાય છે કે હિંદુઓએ ભિન્ન સમયમાં અને ભિન્ન પ્રદેશોમાં સહન કરેલી પીડામાં એક સામ્યતા છે – તે એક જ માનસિકતાનું પરિણામ છે.
‘ધ બેંગાલ ફાઈલ્સ’ની વાર્તા 16 ઑગસ્ટ, 1946ના દિવસે શરૂ થાય છે, જ્યારે મુહમ્મદ અલી ઝીણા અને બંગાળના તત્કાલીન વડા પ્રધાન સુહરાવર્દીના ઇશારે કલકત્તામાં ભયાનક રમખાણો થયા અને હજારો હિંદુઓનો કત્લ કરવામાં આવ્યો. નિર્દોષ હિંદુઓને માત્ર તેમના ધાર્મિક સ્વરૂપને કારણે જીવ ગુમાવવો પડ્યો. ત્યારબાદ ગોપાલ પાઠાના નેતૃત્વમાં હિંદુઓએ કરેલા પ્રતિકારની કથા પણ ફિલ્મમાં છે. નોઆખલીમાં થયેલા રમખાણો – જ્યાં પાકિસ્તાનની માંગને બહાનું બનાવીને નિર્દોષ હિંદુઓની હત્યા કરવામાં આવી – તે પણ ફિલ્મમાં દસ્તાવેજી ઢબે રજૂ કરાયું છે. આ બધામાં ગાંધીજીનું મૌન અને કોંગ્રેસના નેતાઓની નિષ્ક્રિયતા પણ ફિલ્મમાં બિનઅલંકારિક રીતે ચિતરાઈ છે.
ફિલ્મની વિશેષતા એ છે કે તે ભૂતકાળ અને વર્તમાન બંને સમયગાળાઓને સમકક્ષે ચિતરે છે. એટલે બંગાળની આજની પરિસ્થિતિ પર પણ તે સીધો પ્રકાશ પાડે છે – મમતાબેનર્જીની સરકારમાં ગુંડાઓને રક્ષણ, પોલીસની મૌન ભૂમિકા, ગેરકાયદેસર ઘૂસણખોરીને પ્રોત્સાહન અને ઘૂસણખોરોને ઓળખપત્ર આપવાની રાજકીય ગતિવિધિઓ – આ બધું ફિલ્મમાં ખુલ્લેઆમ રજૂ કરાયું છે. આ કારણે જ ફિલ્મ પર પશ્ચિમ બંગાળમાં અઘોષિત પ્રતિબંધ લાગવાની શક્યતા ચર્ચાઈ રહી છે.
ત્રણ કલાકથી પણ વધુ લાંબી હોવા છતાં ફિલ્મ પોતાની પકડ ગુમાવતી નથી. કારણ એ છે કે તેનો નેરેટિવ મજબૂત અને સરળ પ્રવાહમાં આગળ વધે છે. વિવેક અગ્નિહોત્રીનું લેખન અને દિગ્દર્શન અહીં અસાધારણ સ્તરે દેખાય છે. કલાકારોમાં પલ્લવી જોશીનું અભિનય ઉત્તમ રહ્યો છે, જેમણે ભારતી બેનર્જીનું પાત્ર નિભાવ્યું છે. આ પાત્ર મા ભારતીનું પ્રતીક છે – જે ભૂતકાળમાં થયેલા નરસંહાર જોઈ ચૂક્યાં છે અને વર્તમાનમાં ફરીથી થતા અત્યાચારોને અનુભવે છે. તેમનો ડર, હતાશા અને ટ્રોમા પલ્લવી જોશીએ અદભૂત રીતે રજૂ કર્યો છે. દર્શન કુમારે પોતાની ભૂમિકા વિશ્વસનીય રીતે નિભાવી છે. મિથુન ચક્રવર્તી, પ્રિયાંશુ ચેટર્જી અને અન્ય કલાકારોએ પણ અભિનયમાં કોઈ કચાશ રાખી નથી.
ટેકનિકલ રીતે પણ ફિલ્મ પ્રભાવશાળી છે. સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને દ્રશ્યોનું ફિલ્માંકન ઉચ્ચ સ્તરનું છે. હિંસાના દ્રશ્યો ફિલ્મમાં છે, પરંતુ તે જરૂરી હતા, કારણ કે તેમના વિના ઘટનાઓની ગંભીરતા પ્રેક્ષકો સુધી પહોંચી શકી હોત નહીં.
આ ફિલ્મની સૌથી મોટી શક્તિ તેની સામગ્રી છે. ‘ધ બેંગાલ ફાઈલ્સ’ માત્ર એક ફિલ્મ નથી, તે સત્યના દસ્તાવેજ રૂપે ઊભી રહે છે. ડાબેરી કે તટસ્થ વિવેચકો તેની ટીકા કરે, તેના નેરેટિવને પ્રશ્ન કરે – તે સ્વાભાવિક છે. પરંતુ પ્રેક્ષક તરીકે આપણી ફરજ છે કે આવી ફિલ્મો જોઈએ, કારણ કે આ ફિલ્મો આપણને તે સત્યો સાથે પરિચિત કરે છે, જેને વર્ષો સુધી ઇતિહાસ અને સિનેમા બંનેએ અવગણ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel