વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં ઠેર – ઠેર ભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નવાપરા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહીને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થયા હતાં. ઉપસ્થિત સૌએ સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં અમલી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીવાની સાથે “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા ટી. બી રોગ, સીકલસેલ, બી.પી., ડાયાબિટીસની નિઃશુલ્ક તપાસ કરાઇ હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણયુક્ત આહાર નિદર્શનના સ્ટોલ્સ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી. તેમજ પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધી, આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. સાથે લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પ્રતિભાવો રજૂ કર્યા હતા. “ધરતી કરે પુકાર કે” નુકડ નાટકનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમ બાદ સરકારશ્રીની ડ્રોન ટેક્નોલોજી અને તેના માધ્યમથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવ કરવા અંગે ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શિત કર્યા હતા.
રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ પરંપરાગત માધ્યમો થકી મનોરંજન દ્વારા ગ્રામ્ય લોક-કલાને જીવંત રાખવાના હેતુસર લોક-ડાયરા, કઠપુતળી, પપેટ શો, નાટકો વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત નર્મદા જિલ્લા માહિતી કચેરી દ્વારા આ સંકલ્પ યાત્રામાં સ્થાનિક કલાકારો દ્વારા લોકડાયરાના કાર્યક્રમ થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર કરવાની સાથે ઉપસ્થિત સૌ ગ્રામજનોને “સ્વચ્છતા હી સેવા’’નો સંદેશ પાઠવ્યો હતો.
કાર્યક્રમમાં ગામમાં સરપંચ શ્રીમતી રેખાબેન, કિસાન મોરચાના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, નાયબ પશુપાલન નિયામકશ્રી જે.કે. દવે, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી એ. જે. ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ.કે.સુમન સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ- પ્રતિનિધિઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.