૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ મંગળવારથી એટલે કે ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે મંગળવારથી શરૂ થવા જઇ રહેલી આ પૂજન વિધિ ૨૨મી જાન્યુઆરી સુધી ચાલશે. જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ૨૨મી જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦ કલાકે શરૂ થશે જે એક વાગ્યે પૂર્ણ કરી લેવામાં આવશે.
ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવ પોતાના મનોભાવ પ્રગટ કરશે. પ્રેસ કોન્ફરંસ કરીને ચંપત પાયે વધુમાં કહ્યું હતું કે ભગવાન રામની પ્રતિમા ૧૫૦થી ૨૦૦ કિલોગ્રામની છે. આ ઉપરાંત મંગળવારથી ૨૨મી સુધી થનારા વિવિધ કાર્યક્રમો અંગે પણ જાહેરાત કરાઇ છે. જે મુજબ ૧૬મીએ પ્રાયશ્ચિત, દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજન, ગોદાન વગેરે, ૧૭મીએ શોભાયાત્રા, સરયૂનુ જળ મંદિરે પહોંચશે, ૧૮મીએ ગણેશ અંબિકા પૂજન, વાસ્તુ પૂજન થશે. ૧૯મીએ અગ્નિ અને નવગ્રહ સ્થાપના, હવન કરાશે. ૨૦મીએ ગર્ભગૃહને સરયૂના જળથી ધોવામાં આવશે. ૨૧મી જાન્યુઆરીએ ૧૨૫ કળશને મૂર્તિ દિવ્ય સ્નાન થશે અને ૨૨મીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની નવી પ્રતિમાને રામ મંદિરમાં સ્થાપિત કરાશે. જેના લોકો ૨૩મી જાન્યુઆરીથી દર્શન કરી શકશે. જે પ્રતિમાને પસંદ કરાઇ છે તે શ્યામલ રંગની છે, જેમાં પાંચ વર્ષના બાળ સ્વરુપમાં ઉભા આકારમાં હશે.
અત્યાર સુધીમાં આશરે એક લાખ જેટલા આમંત્રણ આપવામાં આવ્યા છે. જેને પગલે અયોધ્યામાં ૨૨મી તારીખે બહુ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતાઓ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અયોધ્યાની કિલ્લેબંધી કરવામાં આવી છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ૩ ડીઆઇજી, ૧૭ એસપી, ૧૦૦ ડીએસપી, ૩૨૫ ઇંસ્પેક્ટર, ૧૧ હજાર જવાન તૈનાત કરાશે. જે ૧૧ યજમાન દંપતી સામેલ થવાના છે તેઓએ સોમવારથી જ ૪૫ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં પ્રાયશ્ચિત, ગોદાન, દશવિધ સ્નાન, પંચગવ્યપ્રાશન પણ સામેલ છે.
મંદિર હજુ પૂર્ણ બન્યું નથી ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વેદ, પુરાણ અનુસાર નથી
અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધીનો આવતીકાલની પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ચાર શંકરાચાર્ય હાજર નહી રહે એવા અહેવાલના કારણે ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે નિવેદનબાજી શરૂ થઇ છે. તા. ૨૨ જાન્યુઆરીએ વિશેષ મુહુર્તમાં દેશમાંથી ૧૦,૦૦૦ અને વિદેશમાંથી ૧૦૦૦ જેટલા ખાસ આમંત્રિતોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે આમંત્રણ હોવા છતાં ઉત્તરાખંડ, ઉડીશા, કર્ણાટક અને ગુજરાતન ચાર પીઠના વાળાઓએ હાજરી નહી આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે તો એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે આ વિધિ શંકરાચાર્યોના આશીર્વાદ વગર થવા જઈ રહી છે. કોંગ્રેસે આશિર્વાદનો મુદ્દો ઉઠાવતા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું હતું કે શંકરાચાર્યોએ રામ મંદિર સમરોહની ટીકા કરવી જોઈએ નહી અને તેમના આશીર્વાદ આપવા જોઈએ.
ગત સપ્તાહે પૂરીના શંકરાચાર્ય સ્વામી નીશ્ચલાનંદા સરસ્વતીએ જણાવ્યું હતું કે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા ગૌરવપૂર્ણ રીતે થવી જોઈએ. વડા પ્રધાન ગર્ભગૃહમાં હાજર રહેશે અને મૂર્તિને સ્પર્શ કરશે. આ એક રાજકીય રીતે બની રહેલી ઘટના હોવાનો એક મત છે. ‘હું તેનો વિરોધ પણ નહી કરું અને હાજર પણ નહી રહું’ એવી જાહેરાત તેમણે કરી હતી. બીજી તરફ, ઉત્તરાખંડની જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવીમુક્તેશ્વરાનંદે તો સત્તાવાર જાહેરાત કરી છે કે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ હિંદુ રિવાજોનું ઉલ્લંઘન કરી થઇ રહી છે. શંકરાચાર્ય અવીમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે મંદિર હજી પૂર્ણ થયું નથી ત્યારે તેમાં ભગવાનની પ્રાણપ્રતિા હિંદુ સંસ્કૃતિથી વિરુદ્ધિ છે. આ મામલે મંદિરના ટ્રસ્ટ સામે પણ વિરોધ ઉઠાવી તેમણે પ્રાણપ્રતિા મંદિર પૂર્ણ થઇ જાય પછી જ રાખવા માટે વિનંતી કરી છે. ‘મંદિર ભગવાનનું શરીર છે, શિખર તેમની આંખો અને કળશ તેમનું શિશ છે. મંદિરની ધજા એ ભગવાનના કેશ છે અને આ રીતે શરીર, શિશ કે આંખો વગર પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ નહી,’ એમ શંકરાચાર્ય અવીમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું.
શ્રીન્ગેરી મઠના શંકરાચાર્ય અને ગુજરાતના દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે તેમને સમરોહમાં હાજર હ્રેવા આમંત્રણ મળ્યું છે પણ બન્ને હાજર રહેવાના નથી. જોકે, બન્નેએ એવું નિવેદન આપેલું છે કે જાન્યુઆરી ૨૨નો સમારોહ સનાતન ધર્મ માટે ખુશીઓ લઇને આવ્યો છે પરંતુ હાજરી અંગે કોઈ નિવેદન કર્યું હતું. દ્વારકા શારદા પીઠે જણાવ્યું હતું કે અમે માત્ર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વેદ અને રીતિ-રીવાજ અનુસાર થાય એવી જ માંગ કરી રહ્યા છીએ.