લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ‘દર્શક’ વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકમ યોજાઈ ગયો. આ વ્યાખ્યાનમાં લેખક રમેશભાઈ સંઘવીએ સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે, તેમ જણાવી સંસ્થાનાં સ્થાપકો પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.
સણોસરામાં ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનાં પ્રણેતા, સાહિત્ય સર્જક ચિંતક મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત જાણીતા લેખક રમેશભાઈ સંઘવી ‘લોકભારતીનો સંદેશ’ વિષય ઉપર વ્યાખ્યાન આપતાં કહ્યું કે, ‘લોક’ એટલે ‘સમાજ’ અને ” ભારતી’ એટલે ‘સરસ્વતી’. ખારી વિદ્યાને પૂરા સમાજમાં પહોંચાડવાનું કામ આ લોકભારતી સંસ્થા દ્વારા થયું છે. સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે તેમ જણાવી સંસ્થાનાં સ્થાપકો નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી વગેરે દાદાઓ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.
રમેશભાઈ સંઘવીએ લોકભારતી દ્વારા ગાંધીમૂલ્યો તેમજ સર્વોદય ભાવના સાથે ગ્રામાભિમુખ સમાજ વ્યવસ્થા માટેનું યોગદાન મહત્વનું અને સફળ રહ્યાનું જણાવ્યું, જેમાં સાહિત્ય, સમાજ તથા કેળવણી વગેરે પાસાંનો ઉલ્લેખ કર્યો. તેમણે લોકભારતીનાં ધ્યાનમંત્ર ‘અવિદ્યયા મૃત્યું તીર્ત્વા વિદ્યયાડમૃતમશ્નુતે’ સંદર્ભે પણ વિદ્યા અને અવિદ્યા સંદર્ભે છણાવટ કરી બંને જાણવા આગ્રહ કરી સંસ્થાનાં સનાતન અને નૂતન સમન્વય વડેની સફળતાની વાત કરી.
લોકભારતીનાં વડા અરુણભાઈ દવેએ આવકાર અને પ્રસંગ ભૂમિકા આપતાં જણાવેલ કે, આ વ્યાખ્યાન મંચમાં કોડિયું પ્રતીક પ્રસ્તુત થયું જે સંસ્થાનાં પૂર્વસુરીઓ દ્વારા પ્રગટાવેલું છે અને સંસ્થા પરિવાર દ્વારા તેલ પુરાતું રહે છે અને હજુ તે ઝળહળે છે, જે કાયમ રહેશે તેમ દૃઢતા સાથે કહ્યું અને આ ઉપક્રમ સમાજમાં તેવાં તેલ પૂરનારા પરિવારજના સન્માનનો છે તેમ ઉમેર્યું. તેમણે સંસ્થા દ્વારા થતાં ઘઉં સંશોધનમાં તબક્કાવાર મળેલ સિધ્ધિનો ઉલ્લેખ કરી તેમાં સંબંધિત કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓની ભૂમિકા બિરદાવી.
આ પ્રસંગે મહેમાન પરિચય કરાવતાં રાજેન્દ્રભાઈ ખીમાણીએ લેખક રમેશભાઈ સંઘવી ગાંધી મૂલ્યોના શિક્ષણ સાથે અનેક સંસ્થાઓ સ્થાપી ધીરજ અને હળવાશથી છોડી દેનાર તેમજ અનેક સન્માન મેળવેલ હોવાનું જણાવ્યું.
આ વ્યાખ્યાનમાળાનાં બાવીશમાં મણકાના વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો. હસમુખભાઈ દેવમુરારિનાં સંકલન સાથે અહીંયા વિવિધ કાર્યક્ષેત્રમાં રહેલ પૂર્વ વિદ્યાર્થીઓ અમીરઅલીભાઈ ઢબ્બુ ( સમાજસેવા ), વીરજીભાઈ જસાણી ( લોકજાગૃતિ ), નિખિલભાઈ ત્રિવેદી ( વિશિષ્ટ કૌશલ્ય ) તથા કાળુભાઈ ડાંગર ( ગાંધીવિચાર પ્રસાર પ્રચાર ) સન્માનિત થયાં.
કાર્યક્રમ સંદર્ભે અભિવાદન અને આભાર દર્શન રામચંદ્રભાઈ પંચોળી દ્વારા થયેલ. આ ઉપક્રમમાં સંગીતવૃંદ દ્વારા સુંદર ગીતગાન પ્રસ્તુત થયેલ. સંચાલનમાં ભૌતિકભાઈ લીંબાણી રહ્યાં હતાં.
લોકભારતીમાં આ કાર્યક્રમ પ્રસંગે કોકિલાબેન વ્યાસ, પ્રવીણભાઈ ઠક્કર, કનુભાઈ કળસરિયા, લાલજીભાઈ નાકરાણી, નાનકભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ ભટ્ટ, ભગવાનભાઈ ગુજરાતી, મેહુરભાઈ લવતુકા, જીજીભાઈ ચૌહાણ સહિત સંસ્થા શુભેચ્છકોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel