એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે અંતે યુદ્ધ વિરામની જાહેરાત થતાં બંને દેશોના સરહદી વિસ્તારોમાં રહેતા લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે બંને દેશો તાત્કાલિક પ્રભાવથી સીઝફાયર લાગુ કરવા પર સહમત થયા છે. આ અંગે થાઈલેન્ડ અને કંબોડિયાના રક્ષા મંત્રીઓ તરફથી સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે સ્થાનિક સમય અનુસાર 27 ડિસેમ્બરના બપોરે 12 વાગ્યાથી યુદ્ધ વિરામ અમલમાં આવશે.
કંબોડિયાની સ્પેશિયલ જનરલ બોર્ડર કમિટીના નિવેદન અનુસાર, સીઝફાયર દરેક સ્થિતિમાં અને તમામ વિસ્તારોમાં લાગુ રહેશે. બંને પક્ષોએ તાત્કાલિક તમામ પ્રકારના હથિયારોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. હવે નાગરિકો, રહેણાંક વિસ્તારો, સરકારી માળખાં કે સૈન્ય ઠેકાણાઓ પર કોઈપણ પ્રકારના હુમલા કરવામાં નહીં આવે. આ નિર્ણયથી સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને મોટી રાહત મળી છે.
આ યુદ્ધ વિરામ એવા સમયે જાહેર થયો છે જ્યારે ડિસેમ્બરની શરૂઆતથી બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ભારે તણાવ અને સંઘર્ષ ચાલી રહ્યો હતો. છેલ્લા 20 દિવસમાં થયેલા અથડામણોમાં થાઈલેન્ડ અને કંબોડિયા મળીને 101થી વધુ લોકોના મોત થયા હતા અને સરહદ વિસ્તારમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા હતા. હજારો પરિવારોને શરણાર્થી કેમ્પોમાં રહેવું પડ્યું હતું અને તેઓ ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા હતા.
સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ આ પણ સ્પષ્ટ કર્યું છે કે સરહદ પર હાલ જે સૈનિકો તહેનાત છે તે યથાવત રાખવામાં આવશે, પરંતુ કોઈપણ પ્રકારનો વધારાનો દળબળ મોકલવામાં નહીં આવે અને સૈન્ય ગતિવિધિઓમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. બંને પક્ષોએ સ્વીકાર્યું છે કે સૈન્ય શક્તિમાં વધારો સંઘર્ષને વધુ ગંભીર બનાવશે અને લાંબા ગાળાના શાંતિપૂર્ણ સમાધાનના પ્રયાસોને નુકસાન પહોંચાડશે. યુદ્ધ વિરામથી પ્રભાવિત થયેલા હજારો પરિવારો હવે પોતાના ઘર પરત ફરી શકશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
આ સમગ્ર વિવાદની જડ વર્ષો જૂની સરહદી તણાવ અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાથી જોડાયેલી છે. અહેવાલો મુજબ, વિવાદિત ‘ચોંગ આન મા’ વિસ્તારમાં ભગવાન વિષ્ણુની પ્રતિમાને લઈને તણાવ વધ્યો હતો, જ્યાં થાઈ સેનાએ પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું અથવા હટાવી દીધી હોવાનો આરોપ છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના જૂના સરહદી વિવાદને ફરી સળગાવ્યો હતો. નોંધનીય છે કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ દાયકાઓ જૂનો છે અને અગાઉ પ્રેહ વિહાર મંદિરને લઈને બંને દેશો આંતરરાષ્ટ્રીય ન્યાયાલય સુધી લડી ચૂક્યા છે.
1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે પ્રેહ વિહાર મંદિર પર કંબોડિયાનો સાર્વભૌમત્વ માન્ય કર્યો હતો, પરંતુ આસપાસની જમીનની સ્પષ્ટ વ્યાખ્યા ન થતાં બંને દેશો વચ્ચે અલગ અલગ અર્થઘટન થયા અને વારંવાર તણાવ સર્જાયો. ભારત સહિત અનેક દેશો માટે ચિંતા એ છે કે દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેલાયેલા હિન્દુ-બૌદ્ધ સાંસ્કૃતિક ચિહ્નો રાજકીય અને સૈન્ય વિવાદોના ભોગ ન બને. હાલ સીઝફાયર લાગુ થતાં બંને દેશો ફરી વાતચીતના માર્ગે આગળ વધશે અને સ્થાયી શાંતિ માટે યોગ્ય ઉકેલ શોધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel