નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અંગે પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા આપી. ભાગવતે જણાવ્યું કે આ ટેરિફ કોઈ આર્થિક કારણસર નથી, પરંતુ ભારતના વધતા પ્રભાવ અને શક્તિને લઈને વિશ્વના કેટલાક દેશોમાં ઉભરતા ભયનું પ્રતિબિંબ છે. તેમના શબ્દોમાં, “દુનિયાના લોકો ડરે છે કે જો ભારત મોટું બનશે, તો તેમની સ્થિતિ શું રહેશે. તેથી તેઓ ટેરિફ લાદે છે. તેમને ભારતની ક્ષમતાનો ડર લાગે છે.”
ભાગવતે આગળ ભાર મૂક્યો કે ભારતની શક્તિ માત્ર આર્થિક કે રાજકીય સ્તરે જ નથી, પરંતુ સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોમાં પણ અગ્રેસર છે. તેમણે કહ્યું કે આજના યુગમાં વિશ્વને સાચા ઉકેલોની તાતી જરૂર છે અને તે ઉકેલ માત્ર ભારત જ આપી શકે છે. “ભારત પાસે એવું દ્રષ્ટિકોણ છે જે સમગ્ર વિશ્વને એકતાના માર્ગે લઈ જઈ શકે છે. અહીંના લોકો ઓછા સંસાધનોમાં પણ ખુશ રહે છે. પરિસ્થિતિઓ બદલાય તો તેઓ સરળતાથી અનુકૂળ થઈ શકે છે. આ જ ભારતની સૌથી મોટી શક્તિ છે,” એમ તેમણે જણાવ્યું.
વિશ્વ રાજકારણની દિશામાં ફેરફાર પર વાત કરતા ભાગવતે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભા થતા સંઘર્ષો હવે વ્યક્તિગત નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે દેશોના ટકરાવમાંથી જન્મે છે. “આજના સમયમાં સ્પર્ધા અને ટેરિફ જેવા પગલાં એ જ પ્રકારના રાષ્ટ્રીય સંઘર્ષોને જન્મ આપે છે,” એમ તેમણે ઉમેર્યું.
ગૌરતલબ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2025માં ભારત પર રેકોર્ડ સ્તરના ટેરિફ લાદ્યા છે. આ પગલું “પરસ્પર ટેરિફ” નીતિ અંતર્ગત લેવામાં આવ્યું હતું. જુલાઈ 2025માં આ ટેરિફની જાહેરાત થઈ અને 1 ઓગસ્ટથી તેનો અમલ શરૂ થયો. અમેરિકાએ તે સમયે દલીલ કરી હતી કે ભારતની ઊંચી ટેરિફ નીતિ અને બે દેશો વચ્ચેના વેપાર ખાધને સંતુલિત કરવા માટે આ જરૂરી છે.
પરંતુ ત્યારબાદ ઓગસ્ટ 2025માં ટ્રમ્પ પ્રશાસને બીજી મોટી કાર્યવાહી કરી અને ભારતમાંથી થતી નિકાસ પર વધારાનો ટેરિફ લાદ્યો. તેનું કારણ જણાવતા અમેરિકાએ કહ્યું કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે અને આ રીતે તે યુક્રેન યુદ્ધને આકસ્મિક રીતે ભંડોળ પૂરું પાડી રહ્યું છે. આ બંને પગલાં બાદ અમેરિકાએ ભારતીય નિકાસ પર ટેરિફ દરો 50 ટકા સુધી વધારી દીધા છે, જે યુએસના કોઈપણ મોટા વેપારી ભાગીદારો પર લાદવામાં આવેલા સૌથી ઊંચા ટેરિફ છે.
આ ટેરિફનો સીધો અસર ભારતના નિકાસકારો પર પડી રહ્યો છે, ખાસ કરીને ટેક્સટાઇલ, સ્ટીલ, કેમિકલ્સ અને આઈટી પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રોમાં. અનેક નિષ્ણાતોનું માનવું છે કે આ પગલાં ભારત-અમેરિકા વેપાર સંબંધોને ગંભીર રીતે અસર કરશે અને લાંબા ગાળે બંને દેશો વચ્ચે તણાવ વધારશે.
મોહન ભાગવતના નિવેદનથી સ્પષ્ટ છે કે RSS આ આખા મુદ્દાને માત્ર આર્થિક નહીં, પરંતુ વૈશ્વિક રાજકીય સમીકરણના ભાગરૂપે જોતી છે. ભાગવતે ભારતના નાગરિકોને આત્મવિશ્વાસ રાખવા અને આ પ્રકારના પડકારોને વિકાસ માટેના અવસર તરીકે જોવા માટે આહ્વાન કર્યું. તેમના જણાવ્યા મુજબ, ભારતના મૂલ્યો અને સંસ્કૃતિ વિશ્વને માર્ગદર્શન આપી શકે છે અને ભવિષ્યમાં ભારત જ વૈશ્વિક નેતૃત્વમાં અગ્રેસર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel