પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય અને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને વૈદિક પરંપરાના માહોલ વચ્ચે ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વપ્રથમ વ્યાસ પૂજન, ગૌ પૂજન, પાદુકા પૂજન અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા, ભજન, ભાષણ, ગીત સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના આશરે 50 જેટલા ઋષિકુમારોએ રામાયણ, શ્રીમદ્ ભાગવત, મહાભારત તેમજ વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વેદ અને સાહિત્ય જેવા શાસ્ત્રીય ગ્રંથોના હજારો શ્લોકો અને સૂત્રો કંઠસ્થ કરીને ગુરુજીઓ સમક્ષ રજૂ કર્યા અને ગુરુદક્ષિણા સ્વરૂપે ગુરુચરણોમાં સમર્પિત કર્યા હતા. પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાને જીવંત રાખવાની સાથે વિદ્યાર્થીઓની સ્મૃતિશક્તિ અને અધ્યયન પ્રત્યેની નિષ્ઠાનો અનોખો પરિચય જોવા મળ્યો હતો.
વિધાર્થી પરમ પાઠકે જણાવ્યું હતું કે તેમણે શુક્રાશાધ્યાય ગ્રંથના ચાર હજાર જેટલા સૂત્રો કંઠસ્થ કર્યા છે, જે તેઓ ગુરુચરણોમાં સમર્પિત કરશે. જ્યારે વિદ્યાર્થી રાધેન જોશીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે રામાયણ, શ્રીમદ્ ભાગવત સહિતના વિવિધ ગ્રંથોના શ્લોકો કંઠસ્થ કરીને ગુરુ સમક્ષ રજૂ કરવાની પરંપરા સાચી ગુરુદક્ષિણા સમાન છે.
કાર્યક્રમ દરમિયાન અધ્યાપક ડૉ. સંજયકુમાર બ્રહ્મભટ્ટ, ભદ્રેશભાઈ ગુરુજી અને વ્રજેશભાઈ પંડિત દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. જ્યારે મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતાએ ગુરુમહિમા વિષે માર્ગદર્શન આપ્યું હતું. બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દવેએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ગુરુ-શિષ્ય પરંપરાના જતન માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.
શ્રદ્ધા, સંસ્કાર અને વૈદિક પરંપરાના સંગમરૂપ આ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગુરુજનો, વિદ્યાર્થીઓ અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel