સંસદનું ચોમાસું સત્ર પૂરું થતાં સુધીમાં મોદી સરકારે એક બહુ અગત્યનું બિલ પસાર કરાવ્યું, જેનાથી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ધરમૂળથી ફેરફારો આવશે. એક તરફ નાણાકીય જોખમ ન હોય તેવી, મગજની એક્સરસાઇઝ કરતી સામાન્ય ગેમ્સને પ્રોત્સાહન મળશે, તો બીજી તરફ નાણાકીય વ્યવહારો કરતી ઓનલાઇન ગેમ્સ પર સદંતર પ્રતિબંધો મૂકાઈ જશે. બુધવારે (20 ઑગસ્ટ) બિલ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યું હતું, હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે.
‘ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઑફ ઑનલાઇન ગેમિંગ બિલ, 2025’ નામનું આ બિલ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં રજૂ કર્યું હતું.
બિલનો મૂળ હેતુ ભારતમાં ઓનલાઇન ગેમિંગનું એક માળખું તૈયાર કરવાનો અને વિવિધ પ્રકારની ગેઈમ્સને વ્યાખ્યાયિત કરવાનો છે. મૂળ બે લક્ષ્યો સાથે બિલ લાવવામાં આવ્યું છે.
1) ઈ-સ્પોર્ટ્સ, એજ્યુકેશનલ ગેમ્સ અને સોશિયલ ગેમ્સ જેવા ઓનલાઇન ગેમિંગને પ્રોત્સાહન આપીને તેનું વ્યવસ્થિત નિયમન કરવું.
2) ઓનલાઇન મની ગેમ્સ (જેમાં લોકો પછીથી જીતવાના ઇરાદે પૈસા ડિપોઝિટ કરે અથવા સ્ટેક્સ લે) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો.
બિલમાં ઓનલાઈન ગેમ્સને મુખ્ય ત્રણ ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
ઈ-સ્પોર્ટ્સ– જે માન્યતા પ્રાપ્ત ગેમ્સ હશે, જેમાં કોઈ નાણાકીય વ્યવહારો ન થતા હોય અને માત્ર સ્કિલ આધારિત ગેમ્સ હોય.
ઓનલાઇન સોશિયલ ગેમ્સ– મનોરંજન, એજ્યુકેશન કે સ્કિલ ડેવલપમેન્ટ માટેની ગેમ્સ હોય, પણ તેમાં પણ કોઈ નાણાકીય વ્યવહારનો વિકલ્પ ન હોય.
ઓનલાઇન મની ગેમ્સ– કોઈ પણ ગેમ્સ (સ્કિલ પર આધારિત હોય કે ચાન્સ આધારિત) જેમાં નાણાકીય વ્યવહારો થતા હોય.
આ ત્રણમાંથી પહેલી બેને માન્યતા હશે, ઓનલાઇન મની ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
બિલના સેક્શન પાંચમાં લખવામાં આવ્યું છે,
“કોઈ પણ વ્યક્તિને ઓનલાઈન મની ગેમ કે ઓનલાઇન મની ગેમિંગ સર્વિસ રજૂ કરવાની, તેને પ્રોત્સાહન આપવાની, તેમાં કોઈ પ્રકારની મદદ કરવાની કે કોઈ પણ રીતે સામેલ થવાની અનુમતિ આપવામાં આવશે નહીં.”
બિલમાં આ પ્રકારની ગેમ્સની જાહેરાતો પર પણ પ્રતિબંધ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
સેક્શન 6 કહે છે કે, “કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન મની ગેમ રમવા કે તેને પ્રોત્સાહન આપવા માટે કોઈ પ્રકારનાં વિજ્ઞાપનો– ટીવી, અખબાર, સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર– નહીં બનાવી શકે, ન આવું કરવામાં મદદ કરી શકે છે.”
ખંડ 7માં બેન્કો અને નાણાકીય સંસ્થાનોને આ પ્રકારની ગેમિંગ સેવાઓ પૂરી પાડતી કંપનીઓને ફંડ ટ્રાન્સફર કરવા પર રોક લગાવવામાં આવી છે.
“કોઈ પણ બેન્ક, નાણાકીય સંસ્થા કે પેમેન્ટ એપ ઓનલાઇન મની ગેમ સંબંધિત કોઈ નાણાકીય વ્યવહાર કરી શકે નહીં. એટલે કે ન પૈસા જમા કરી શકે, ન ટ્રાન્સફર કરી શકશે કે ન ચૂકવણી થઈ શકશે.”
સરકાર ઓનલાઇન ગેમિંગના નિયમન માટે એક રેગ્યુલેટરી ઓથોરિટી પણ બનાવી રહી છે, જે સુઓમોટો આધાર પર એ નક્કી કરશે કે જે-તે ગેમ નાણાકીય વ્યવહારો સંબંધિત છે કે કેમ. ઉપરાંત આ ઓથોરિટી ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સની (જેને માન્યતા મળશે) નોંધણી અને નિયમન પણ જોશે. ઉપરાંત તેને લગતી ફરિયાદોનું નિવારણ કરીને યોગ્ય નિર્દેશો પણ આપશે.
આ ઓથોરિટીની સ્થાપના માટે શરૂઆતમાં ₹50 કરોડનો ખર્ચ થશે અને ત્યારબાદ તેના સંચાલન માટે વર્ષે ₹20 કરોડના ખર્ચનું અનુમાન છે. આ ઓથોરિટી સંબંધિત વિસ્તૃત નિયમો બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે.
કાયદાના ઉલ્લંઘન બદલ થશે આ સજાઓ
બિલમાં નિયમોના ઉલ્લંઘન બદલ સજાની પણ જોગવાઈ છે. જે અનુસાર, ઓનલાઇન મની ગેમ કે તેની સેવા આપવા બદલ વધુમાં વધુ ત્રણ વર્ષની સજા, અથવા એક કરોડનો દંડ લગાવવામાં આવી શકે અથવા બંનેની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન મની ગેમના પ્રોત્સાહન માટે જાહેરાત કરે તો તેને વધુમાં વધુ 2 વર્ષની સજા કે 50 લાખનો દંડ ભરવો પડી શકે છે, અથવા બંને પણ થઈ શકે.
ખંડ 7ના, જેમાં બૅન્કો, નાણાકીય સંસ્થાઓ કે વ્યક્તિઓને આવી ગેમિંગ સેવાઓ માટે નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ઉલ્લંઘન બદલ વધુમાં વધુ ત્રણ વર્ષની સજા, 1 કરોડ સુધીનો દંડ કે બંનેની જોગવાઈ કરવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિ ફરી વખત આ જ ગુણો આચરે, તો ઓનલાઇન મની ગેમ સેવા ચલાવવા કે પૈસાની લેવડદેવડ બદલ ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની સજા અને ઓછામાં ઓછા 1 કરોડ અને વધુમાં વધુ 2 કરોડના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેરાતો સંબંધિત ગુનો ફરી આચરવામાં આવે તો જેલની સજા 3 વર્ષ અને દંડ 1 કરોડ સુધી જઈ શકે છે.
એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઓનલાઇન મની ગેમ ચલાવવા અને તેના માટે પૈસાની લેવડદેવડ કરવી એ ગંભીર ગુનો માનવામાં આવશે, જે બિનજામીનપાત્ર હશે અને પોલીસ તુરંત ધરપકડ કરી શકશે.
જો કોઈ કંપની ગુનો કરે તો તેના જવાબદાર માણસો/ડાયરેક્ટર/મેનેજર પણ સજાના ભાગીદાર હશે. પરંતુ જો કોઈ સ્વતંત્ર ડાયરેક્ટર, જે સંસ્થાના કોઈ નિર્ણયમાં સામેલ ન હોય, તો તે જવાબદાર નહીં હોય.
ઉપરાંત, કોઈ વ્યક્તિ સરકાર કે ઓથોરિટીના આદેશોનું પાલન ન કરે તેને 10 લાખ સુધીનો દંડ થઈ શકે. ઉપરાંત, ગેમ/સર્વિસનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવી શકે અને સંપૂર્ણ પ્રતિબંધ પણ લગાવવાની સત્તા ઓથોરિટીને આપવામાં આવશે.
બિલમાં અધિકૃત વ્યક્તિઓને (અધિકારીઓને) ફિઝિકલ અને વર્ચ્યુઅલ સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધરવાની પણ સત્તા આપવામાં આવી છે અને તેના માટે વૉરન્ટની પણ જરૂર નહીં રહે.
આ બિલની જરૂર કેમ પડી?
ભારતમાં ઓનલાઈન ગેમિંગ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને માર્કેટ પણ ખાસ્સું વિકસી રહ્યું છે. તેમાં રોજગારથી માંડીને ઇનોવેશનની પણ સંભાવના છે અને સરકાર પણ માને છે કે ઈ-સ્પોર્ટ્સ, એજ્યુકેશનલ ગેમ્સ અને સોશિયલ ગેમ્સ વગેરે ક્ષેત્રો યુવાઓનાં કૌશલ્યો અને ડિજિટલ અર્થવ્યવસ્થાને ગતિ આપી શકે છે. પરંતુ બીજી તરફ ઓનલાઇન મની ગેમ્સથી અમુક સામાજિક અને આર્થિક સમસ્યાઓ પણ સર્જાઈ છે. લત લાગી જવી, માનસિક તણાવ આવવો, આર્થિક નુકસાન, છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવી સમસ્યાઓ આ ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે.
હાલ આ ક્ષેત્રમાં કોઈ સ્પષ્ટ અને એકીકૃત કાયદો નથી. અલગ-અલગ રાજ્યોના નિયમો અલગ-અલગ છે અને તેનો લાભ ઉઠાવીને અનેક કંપનીઓ વિદેશથી કામ કરીને આ નિયમોમાંથી છટકબારી શોધી લે છે.
સરકાર આ બિલ થકી ઓનલાઇન ગેમિંગને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી રહી છે, જ્યારે ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ અને એજ્યુકેશનલ ગેમ્સને પ્રોત્સાહન આપશે અને કાયદાકીય માન્યતા પણ અપાશે બિલનો ઉદ્દેશ્ય જણાવતાં સરકાર કહે છે કે ભારતમાં એક સુરક્ષિત, જવાબદાર અને ઇનોવેશન બેઝ્ડ ડિજિટલ ગેમિંગનું સ્વસ્થ વાતાવરણ તૈયાર કરવામાં આવે, જેથી એક સમાન અને રાષ્ટ્રવ્યાપી કાયદાકીય માળખા હેઠળ આ ઇન્ડસ્ટ્રીને આવરી લેવામાં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel