ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President of India) જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું (Jagdeep Dhankhar Resigned) આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામા પત્ર મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે તેઓ તબીબી સલાહને અનુસરીને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માંગે છે. આ રાજીનામું બંધારણના અનુચ્છેદ 67 (A) હેઠળ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે.
ધનખરે પત્રમાં રાષ્ટ્રપતિનો આભાર માન્યો અને કહ્યું કે તેમની સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. તેમણે વડા પ્રધાન અને મંત્રીમંડળની પણ પ્રશંસા કરી, કહ્યું કે તેમની મદદથી તેમણે ઘણું શીખ્યા. સંસદના સભ્યો પાસેથી મળેલા હૂંફ અને પ્રેમને તેઓ હંમેશા યાદ રાખશે.
— Vice-President of India (@VPIndia) July 21, 2025
જગદીપ ધનખરે ભારતની આર્થિક પ્રગતિ અને વિકાસ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આ સમયગાળો દેશના ઇતિહાસમાં પરિવર્તનશીલ સમય હતો. પદ છોડતી વખતે, તેમણે ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ સમાચાર રાજકીય વર્તુળોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે, લોકો આશ્ચર્યચકિત છે કારણ કે ધનખરને એક મજબૂત નેતા માનવામાં આવે છે. તેઓ ખેડૂતો અને ગરીબોનો અવાજ ઉઠાવવા માટે જાણીતા છે. ધનખરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, તે જોવાનું બાકી છે કે રાજકારણ પર તેની શું અસર પડશે.
નોંધનીય છે કે જેવી આ રાજીનામાની ખબર સામે આવી, તેવી જ અટકળો શરૂ થઈ ગઈ કે ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે. સોશિયલ મીડિયા પર લોકો અટકળો લગાવી રહ્યા છે કે બિહાર ચૂંટણી પહેલા નીતીશ કુમારને VP બનાવાઈ શકે છે અને રાજ્યમાં ભાજપના કોઈ નેતાને CM કેન્ડિડેટ બનાવાઈ શકે છે. બીજી વાત એ પણ ચાલી રહી છે કે હાલના જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાને પણ VP બનાવાઈ શકે છે.