પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવમાં હવે બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ સર્જાયો છે.
પાકિસ્તાને હવે આતંકી સંગઠન તહેરીક એ તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી સામે જો અફઘાનિસ્તાન કોઈ પગલા નહીં ભરે તો જાતે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી અફઘાનિસ્તાનને આપી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન અનવારુલ હક કાકરની ધમકી બાદ પણ તાલિબાને સ્પષ્ટપણે કહ્યુ છે કે, અમે ટીટીપી સામે કોઈ જાતની લશ્કરી કાર્યવાહી કરવાના નથી. ઉલટાનુ અફઘાનિસ્તાને પાકિસ્તાનના કોર્ટમાં બોલ ફેંકીને કહ્યુ છે કે, આ સમસ્યાનો કોઈ વૈકલ્પિક ઉકેલ પાકિસ્તાન જ અમને સૂચવે.
ઉલ્લેખનીય છે કે, તહેરીક એ તાલિબાન પાકિસ્તાન ..સંગઠનને લઈને બંને દેશો વચ્ચેના સબંધોમાં કડવાશ આવી ચુકી છે. પાકિસ્તાન આરોપ મુકી રહ્યુ છે કે, તહેરીક એ તાલિબાન પાકિસ્તાનના આતંકીઓ પાકિસ્તાનમાં હુમલા કરે છે અને અફઘાનિસ્તાનમાં શરણ લે છે. આ સંગઠન સામે અફઘાનિસ્તાની તાલિબાન સરકાર કાર્યવાહી કરે , નહીંતર અમે તેમની સામે લશ્કરી કાર્યવાહી કરીશું.
પાકિસ્તાનની ધમકીની જોકે તાલિબાન પર કોઈ અસર નથી પડી.બીજી તરફ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર દબાણ વધારવા માટે પોતાના દેશમાં રહેતા 17 લાખ અફઘાન નાગરિકોને દેશ છોડવા માટે આદેશ આપ્યો છે અને તેનો અમલ પણ શરુ કરીને લાખો અફઘાનીઓને અફઘાનિસ્તાન મોકલવાની સાથે સાથે તેમની સંપત્તિ જપ્ત કરી લીધી છે.
જેના કારણે બંને દેશના સબંધો વધારે ખરાબ થયા છે. તાલિબાની સરકારે અફઘાન લોકોને કાઢવા સામે પાકિસ્તાનને ધમકી આપેલી છે.
પાકિસ્તાન સરકાર દ્વારા અફઘાનિસ્તાનને તહેરીક એ તાલિબાન પાકિસ્તાન સામે પગલા લેવા માટે સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તાલિબાનનુ કહેવુ છે કે, અમેરિકા સામેની લડાઈમાં તહેરીક એ તાલિબાન પાકિસ્તાન ..સંગઠને અમારો સાથ આપ્યો હતો અને તેઓ અમારા મહેમાન પણ છે. મહેમાનો સામે અફઘાની પરંપરા અનુસાર કાર્યવાહી ના કરી શકાય.
ઉપરાંત તાલિબાનને ડર છે કે, જો આ સંગઠન સામે કાર્યવાહી કરીશું તો તેનાથી નારાજ થઈને તાલિબાનના સભ્યો ઈસ્લામિક સ્ટેટ સંગઠન સાથે જોડાઈ જશે.