આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કુંડ અને પંડાલની કોર્પોરેશન દ્વારા બે વખત સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે, જેથી વિસર્જન સમયે સ્વચ્છતા અને સુવિધા જળવાઈ રહે. ખાસ વાત એ છે કે દરેક કુંડ અને પંડાલમાં કઈ સાઇઝની કેટલી મૂર્તિ વિસર્જન માટે આવે છે તેની વિગતવાર નોંધ એક ખાસ રજિસ્ટરમાં કરવામાં આવશે. મૂર્તિઓના વિસર્જન બાદ આસપાસ એકઠો થનારા કચરાને વ્યવસ્થિત રીતે અલગ અલગ સેગ્રેગેશન માટે કોર્પોરેશન તરફથી સ્ટીકર લગાવેલા ડસ્ટબીન અને બેરલની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સુરક્ષા અને આગની સંભાવના જેવા પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ તરફથી પાંચ અલગ અલગ ટીમોને વિવિધ કુંડ અને પંડાલ ખાતે ફરજ સોંપવામાં આવી છે. ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી શહેરના ભક્તો ભગવાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરે છે અને પૂજન-અર્ચન કર્યા બાદ વિસર્જન કરે છે. લોકો એક દિવસથી લઈને દસ દિવસ સુધી શ્રીજીની પૂજા કરીને વિસર્જન કરે છે, જેના કારણે મોટા પ્રમાણમાં ભક્તો કુંડોમાં પહોંચે છે. આવા સમયે સુવ્યવસ્થિત અને સલામત વિસર્જન થાય તે માટે કોર્પોરેશન દર વર્ષે વિશેષ આયોજન કરે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દરેક કુંડ પાછળ અંદાજે 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. આ વર્ષે કુલ 49 કુંડ શહેરના છ ઝોનમાં તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ઉત્તર ઝોનમાં 5, દક્ષિણ ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 2, પશ્ચિમ ઝોનમાં 13, મધ્ય ઝોનમાં 7, ઉત્તર-પૂર્વ ઝોનમાં 5 અને દક્ષિણ-પૂર્વ ઝોનમાં 4 કુંડ બનાવવામાં આવ્યા છે. આ રીતે સમગ્ર શહેરમાં પૂરતી સંખ્યામાં વિસર્જન કુંડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે અને પર્યાવરણને અનુકૂળ રીતે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel