ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (India–US Bilateral Trade Agreement – BTA) તરફ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. બંને દેશોએ અંતરિમ ટ્રેડ એગ્રીમેન્ટનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, જે આગામી અઠવાડિયામાં સંપૂર્ણ વેપાર કરાર માટેની વાટાઘાટોને વેગ આપશે. આ ફ્રેમવર્ક મુજબ આજથી ભારત પર 18 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે રશિયા પાસેથી તેલ ખરીદીના કારણે લાગુ કરાયેલા વધારાના 25 ટકા ટેરિફને દૂર કરવામાં આવ્યો છે. આ પગલું બંને દેશો વચ્ચે વેપાર સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું કે આ સંવાદથી બજારમાં પહોંચ વધશે, પુરવઠા શૃંખલા વધુ મજબૂત બનશે અને વેપાર અવરોધો દૂર કરવાની પ્રક્રિયા ઝડપી થશે. 13 ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત-અમેરિકા BTA વાટાઘાટોમાં આ ફ્રેમવર્ક આધારરૂપ બનશે. ગોયલના જણાવ્યા અનુસાર, આ વેપાર સોદાથી ભારત માટે આશરે 30 ટ્રિલિયન ડોલરનું વિશાળ અમેરિકન બજાર ખુલશે, જે ભારતીય ઉદ્યોગો માટે મોટી તક સાબિત થઈ શકે છે.
Future-ready partnership 🇮🇳🤝🇺🇸
From addressing non-tariff barriers to aligning standards and advancing joint technology cooperation, the India US Trade Deal reinforces a shared commitment to facilitating trade, expanding market opportunities, and strengthening bilateral… pic.twitter.com/0W6o2eOqc5
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
ટેરિફમાં થયેલા ફેરફારોને કારણે કાપડ, ચામડું અને ફૂટવેર, પ્લાસ્ટિક અને રબર ઉત્પાદનો, ઓર્ગેનિક કેમિકલ્સ, હોમ ડેકોર, હસ્તકલા અને પસંદગીની મશીનરી જેવા ક્ષેત્રોને વિશાળ નિકાસ તકો મળશે. અમેરિકા દ્વારા જેનેરિક ફાર્માસ્યુટિકલ્સ, રત્નો અને હીરા તથા વિમાનના પાર્ટ્સ જેવા ઉત્પાદનો પર ટેરિફ દૂર કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. બીજી તરફ, ભારતે યુએસના ઔદ્યોગિક માલ અને કૃષિ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પર ટેરિફ ઘટાડવા અથવા દૂર કરવાની સંમતિ આપી છે.
આ ડીલ હેઠળ ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકાથી અંદાજે 500 બિલિયન ડોલરના ઊર્જા ઉત્પાદનો, વિમાન, ફાઇટર જેટ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી ઉત્પાદનો અને કોકિંગ કોલસો ખરીદશે. તેમાં સૂકા અનાજ, બદામ, ફળો, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ્સ જેવા કેટલાક કૃષિ ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. જોકે ભારતે મકાઈ, ઘઉં, ચોખા, સોયા, ડેરી ઉત્પાદનો, માંસ અને કેટલીક શાકભાજી જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં ટેરિફ છૂટ ન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી સ્થાનિક ખેડૂતો અને ઉદ્યોગોના હિતો સુરક્ષિત રહી શકે.
સરકારના મત મુજબ આ ટ્રેડ ડીલથી MSME, ખેડૂતો, માછીમારો તેમજ યુવાનો અને મહિલાઓ માટે રોજગારની નવી તકો ઊભી થશે. સાથે જ GPU અને ડેટા-સેન્ટર જેવા ટેકનોલોજી ક્ષેત્રોમાં પણ વેપાર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ કરાર ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel