રાજસ્થાનના જેસલમેર જિલ્લા અને પાકિસ્તાન સરહદ નજીક આવેલા રામગઢ જિલ્લાથી 60 કિલોમીટર દૂર અને સાદેવાલાના 17 કિમી ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રતાડિયા રી ડેરી નામના સ્થળે હડપ્પા સંસ્કૃતિના લગભગ 4500 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. આ મહત્ત્વપૂર્ણ શોધ રાજસ્થાન વિશ્વવિદ્યાલય, રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુર અને અન્ય ઈતિહાસકારોની એક ટીમ દ્વારા કરવામાં આવી છે. જેમાં સંશોધનકર્તા દિલીપકુમાર સૈની, ઈતિહાસકાર પાર્થ જગાણી, પ્રોફેસર જીવનસિંહ ખારકવાલ, ડો. તમેધ પવાર, ડો. રવિન્દ્ર દેવડા, ચતર સિંહ ‘જામ’ અને પ્રદીપ કુમાર ગર્ગનો સમાવેશ થાય છે.
આ સંશોધનની પુષ્ટિ પ્રોફેસર જીવણ સિંહ ખારકવાલ, ડો.તમેધ પવાર અને ડૉ. રિવન્દ્ર દેવડાએ કરી છે અને તેનું રિસર્ચ પેપર ઈન્ડિયન જર્નલ સાયન્સમાં પબ્લિશ કરવા માટે મોકલવામાં આવ્યું છે.
પ્રાપ્ત પુરાવાઓ મુજબ, આ સ્થળ પર હડપ્પા યુગના વિશિષ્ટ નમૂનાઓ – જેમ કે લાલ માટીના ખંડિત વાસણો, છિદ્રિત જારના ટુકડા, ચેર્ટ પથ્થરનાં બ્લેડ (8-10 સે.મી. લાંબા), માટી અને શંખમાંથી બનેલી બંગડીઓ, ટેરાકોટાના ગોળાકાર કે ત્રિકોણાકાર નમૂનાઓ, પથ્થરની નાની વસ્તુઓ વગેરે મળી આવ્યા છે. આ તત્વો હડપ્પા સંસ્કૃતિના નૈતિક અવશેષો તરીકે માનવામાં આવે છે.
સાંસ્કૃતિક દૃષ્ટિએ આ શોધ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે થારના રણમાં પ્રથમવાર હડપ્પા કાળના અવશેષો મળ્યા છે. અહીંના દક્ષિણ ઢોળાવ પરથી ભઠ્ઠી મળવાની પણ માહિતી છે, જેમાં મધ્યમાં સ્તંભ બનાવવામાં આવ્યો છે – જે પ્રકારની ભઠ્ઠીઓ મોહેંજોદડો અને કાનમેર જેવા સ્થળોએ પણ મળી આવી છે.
સાથોસાથ અહીંથી ફાચર ઈંટો (wedge bricks) અને સામાન્ય ઈંટો પણ મળી આવી છે, જે દર્શાવે છે કે અહીં ગોળાકાર ભઠ્ઠીઓ અને દિવાલો માટે ઈંટોનો ઉપયોગ થતો હતો. આ સૌ અવશેષો દર્શાવે છે કે તે સમય દરમિયાન થારના વિસ્તારોમાં પણ સમૃદ્ધ શહેરી હડપ્પા સંસ્કૃતિ ફેલાયેલી હતી.
આ શોધથી રાજસ્થાનના રણ વિસ્તારમાંના જીવન અને હડપ્પા સંસ્કૃતિના વિસ્તરણ અંગે નવી દિશામાં સંશોધન શક્ય બન્યું છે. સંશોધકોનું માનવું છે કે જો આ સ્થળનું વધુ ખોદકામ કરવામાં આવે, તો આ પ્રાચીન નગરસભ્યતા વિશે ઘણી બધી મહત્વપૂર્ણ વિગતો પ્રકાશમાં આવી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel