સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. જેને પગલે રાજ્યસભામાંથી ૪૫ જ્યારે લોકસભામાંથી ૩૩ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અગાઉ ૧૪ સાંસદો સસ્પેન્ડ થઇ ચુક્યા છે. જેને પગલે આ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની કુલ સંખ્યા ૯૨એ પહોંચી ગઇ છે. સસ્પેન્ડ કરાયા બાદ મોટાભાગના સાંસદોએ સંસદની બહાર બેનરો સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.
સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂકનો મામલો ઉઠાવવાનું શરૂ કરી દીધુ હતું. વિપક્ષની માગ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંસદના બન્ને ગૃહમાં સંસદની સુરક્ષામાં ખામી સર્જાઇ તે મુદ્દે પોતાનું નિવેદન આપે. વિરોધ એટલો ઉગ્ર સ્વરુપ પર પહોંચી ગયો હતો કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ૩૩ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા, જેમાં અધિર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના ૧૧, ટીએમસીના ૯, ડીએમકેના ૯ અને અન્ય પક્ષોના ચાર સાંસદોનો સમાવેશ થાય છે. બાદમાં લોકસભાની કાર્યવાહીને મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. હજુ ચાર દિવસ પહેલા જ લોકસભામાંથી ૧૩ અને રાજ્યસભામાંથી એક મળી કુલ ૧૪ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. તેથી સસ્પેન્ડ કરાયેલા કુલ સાંસદોની સંખ્યા ૯૨ને પાર પહોંચી ગઇ છે.
લોકસભાની જેમ જ રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડે ઉગ્ર વિરોધ કરી રહેલા વિપક્ષના ૪૫ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. મોદી સરકારના આ સાડા નવ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત એક સાથે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યભામાંથી જે ૪૫ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે તેમાંથી ૩૪ને પુરા સત્ર સુધી સસ્પેન્ડ કરાયા છે. જ્યારે અન્ય ૧૧ને પ્રિવિલેજ કમિટી પાસે મોકલવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં જયરામ રમેશ, પ્રમોદ તિવારી, નારણ રાઠવા, શક્તિસિંહ ગોહિલ, અમી યાગ્નિક, રણદીપ સુરજેવાલા, ઇમરાન પ્રતાપગઢી, કે.સી. વેણુગોપાલ વગેરે વરીષ્ઠ નેતાઓનો પણ સમાવેશ થાય છે.
એક સાથે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસે કહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પહેલા ઘૂસણખોરોએ સંસદ પર હુમલો કર્યો હવે મોદી સરકાર સંસદ અને લોકશાહી પર હુમલો કરી રહી છે. મોદી સરકારે લોકશાહીના સિદ્ધાંતોને કચરાપેટીમાં ફેંકી દીધા છે. અમારી માગ માત્ર એટલી જ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંસદની સુરક્ષા મુદ્દે બન્ને ગૃહમાં આવીને નિવેદન આપે. બીજી તરફ સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણયનો બચાવ કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે સંસદની અંદર નારેબાજી કરવી, પોસ્ટરો લઇને પ્રવેશવું, વેલ સુધી ધસી આવવું આ બધુ ઠીક નથી.
2010માં ભાજપે સંસદમાં માત્ર બે ટકા જ કામ થવા દીધુ હતું.
– 1989માં રાજીવ ગાંધીની સરકારમાં એક સાથે ૬૩ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા.
લોકસભા અને રાજ્યસભામાંથી એક સાથે ૭૮ સાંસદોને સસ્પેન્ડ કરાયા, જ્યારે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની કુલ સંખ્યા ૯૨ને પાર જતી રહી છે. ભારતની સંસદના ઇતિહાસમાં કદાચ પહેલી વખત ૯૦થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરાયા હશે. આ પહેલા ૧૯૮૯માં રાજીવ ગાંધીના સમયગાળામાં એક દિવસમાં ૬૩ સાંસદોને સપ્તાહના અંત સુધી સસ્પેન્ડ કરાયા હતા.
વર્તમાન મોદી સરકારના શાસનમાં સાંસદોને આ સત્ર માટે જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે રાજીવ ગાંધીની સરકાર સમયે માત્ર સપ્તાહના અંત સુધી સસ્પેન્ડ કરાયા હતા. હાલમાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમના પર સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે અગાઉ જ્યારે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે ભાજપના સાંસદો દ્વારા પણ આ જ પ્રકારનો હોબાળો કરવામાં આવતો હતો.
પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના રિપોર્ટ અનુસાર ૨૦૧૦માં ભાજપ વિપક્ષમાં હતો ત્યારે શિયાળુ સત્રમાં ભાજપના સાંસદોએ પણ હોબાળો કર્યો હતો. ૨-જી સ્કેમ મુદ્દે સંયુક્ત તપાસ સમિતિ બનાવવાની માગ સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે રાજ્યસભા અને લોકસભા બન્ને ગૃહો ઠપ રહ્યા હતા, પરીણામે સમગ્ર શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં માત્ર બે ટકા જ કામ થઇ શક્યું હતું, જ્યારે લોકસભામાં આ ટકાવારી માત્ર છ ટકા હતી. ૧૯૯૯ પછી પ્રથમ વખત આવુ બન્યું હતું.
સંસદમાં ચર્ચા વગર બિલોને પસાર કરેવા માગે છે : વિપક્ષ
– બન્ને ગૃહના અધ્યક્ષનું અપમાન કર્યું, સાંસદોને સસ્પેન્ડ કરવા જરૂરી હતા : જોશી
વિપક્ષના ૯૨થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એવામાં વિપક્ષે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સરકાર સંસદની સુરક્ષા પર ચર્ચાથી ભાગી રહી છે. અમિત શાહ કે નરેન્દ્ર મોદી કોઇ પણ પ્રકારની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.
ખડગેએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર પોતાની ઇચ્છા મુજબ બિલોને પસાર કરવા માગે છે, કોઇ પણ ચર્ચા વગર આ બિલોને પસાર કરવા માગતી મોદી સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે એક સાથે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરીને મોદી સરકારે લોકશાહીની મજાક બનાવી રાખી છે.
મમતાએ કહ્યું હતું કે મોદી સરકાર લોકોનો અવાજ દબાવવા માટે આ બધુ કરી રહી છે. આ સરકારને સંસદ ચલાવવાનો કોઇ અધિકાર જ નથી. એક સાથે આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કેમ કર્યા? મને લાગી રહ્યું છે કે બે રાજ્યો જીત્યા તેને કારણે ભાજપ અહંકારી બની ગઇ છે. જો વિપક્ષના તમામ સાંસદોને જ સસ્પેન્ડ કરી દેવા હોય તો સંસદને જ સસ્પેન્ડ કરી દોને.
સંસદમાંથી વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ રજુ કર્યો હતો, જેનો સ્વીકાર કરીને અધ્યક્ષે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. પોતાના બચાવમાં જોશીએ કહ્યું હતું કે સાંસદોને સસ્પેન્ડ કરવા જરૂરી હતા કેમ કે વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષોનું અપમાન કર્યું હતું.