વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ ઘરમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. હવે રામમંદિર નિર્માણને લઈને પણ ઘણી વાતો બહાર આવી રહી છે. ઝારખંડનાં 85 વર્ષના સરસ્વતી દેવી છેલ્લાં 31 વર્ષથી મૌન પાળી રહ્યાં છે.
સરસ્વતી દેવીનાં પરિવારજનોનું કહેવું છે કે 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા બાદથી તેઓ મૌન થઈ ગયાં હતાં. તેમણે (સરસ્વતી દેવી) પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે રામમંદિર તૈયાર થશે ત્યારે જ તેઓ મૌન તોડશે. સરસ્વતી દેવી ધનબાદનાં રહેવાસી છે. રામમંદિરના ઉદઘાટનના સાક્ષી બનવા માટે તેઓ 8 જાન્યુઆરીની રાત્રે પરિવાર સાથે અયોધ્યા જવા રવાના થઈ ગયાં છે.
એ જ સમયે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશના દરેક ગામમાં લાઈવ (લાઈવ ટેલિકાસ્ટ) બતાવવામાં આવશે. આઝાદી પછી દેશમાં હિન્દુઓનો આ સૌથી મોટો કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે.
ચાર વર્ષથી સંપૂર્ણપણે મૌન ધારણ કરેલું છે
સરસ્વતી દેવીનાં પરિવારજનોનું કહેવું છે કે તેઓ અયોધ્યામાં મૌની માતાના નામથી પ્રખ્યાત છે. તેઓ ઈશારા દ્વારા અમારી સાથે વાત કરે છે. જો કહેવું મુશ્કેલ હોય, તો તેઓ લેખિતમાં કહે છે.
પરિવારજનોએ એ પણ જણાવ્યું હતું કે 1992થી 2020 સુધી તેઓ બપોરે એક કલાક બોલતાં હતાં. એ દિવસથી (5 ઓગસ્ટ 2020) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારથી તેઓ સંપૂર્ણપણે મૌન છે.
સરસ્વતી દેવીના 55 વર્ષનાં પુત્ર રામ અગ્રવાલ કહે છે – 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસના દિવસે માતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી રામમંદિર તૈયાર નહીં થાય ત્યાં સુધી તેઓ મૌન રહેશે. જ્યારથી મંદિરના ઉદઘાટનની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારથી તેઓ અત્યંત ખુશ છે.
સરસ્વતી દેવીના વિસ્તારમાં રહેતા હરેરામે જણાવ્યું હતું કે 8 જાન્યુઆરીની રાત્રે તેઓ ધનબાદથી ગંગા-સતલજ એક્સપ્રેસમાં અયોધ્યા જવા રવાના થઈ ગયાં હતાં. તેઓ 22 જાન્યુઆરીએ મૌન ઉપવાસ તોડશે.
સરસ્વતી દેવી તેમના બીજા પુત્ર નંદલાલ અગ્રવાલ સાથે રહે છે. નંદલાલ ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)માં નોકરી કરે છે. નંદલાલની પત્ની ઈનુ કહે છે- અમારા લગ્નના થોડા મહિના પછી જ તેઓ ચૂપ થઈ ગયાં. તેઓ ભગવાન રામની પૂજામાં તલ્લીન રહે છે. તેઓ પોતાની લાગણીઓને હાવભાવ દ્વારા વ્યક્ત કરે છે. વધારે કશુંક કહેવું હોય તો તેઓ લખીને જણાવે છે.
ઈનુ એ પણ કહે છે કે મારી સાસુ (સરસ્વતી દેવી) સવારે ચાર વાગ્યે ઊઠે છે અને 6-7 કલાક ધ્યાનમાં લીન રહે છે. 2001માં તેમણે ચિત્રકૂટમાં 7 મહિનાની તપસ્યા પણ કરી હતી.