ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને ડિજિટાઇઝેશન તરફ લઈ જવાના પ્રયાસો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે અને હાલમાં તેની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નવી મતદાર યાદી જારી થવાની પ્રક્રિયા નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં લગભગ 40 લાખ જેટલા નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવશે, એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. તાજા આંકડા અનુસાર 15.58 લાખથી વધુ અવસાન પામેલા મતદારોના નામ હજુ પણ યાદીમાં નોંધાયેલા હતા, જ્યારે 21.86 લાખથી વધુ લોકો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા છે. ઉપરાંત લગભગ 2.68 લાખ મતદારોના નામ રિપિટેડ હતાં. કુલ મળી આ ત્રણ કેટેગરીમાં 40.12 લાખ નામો યાદીમાંથી દૂર થવા જઈ રહ્યા છે.
રાજ્યના 33 પૈકીના મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં આ લક્ષ્ય હાંસલ થવાના અંતિમ તબક્કામાં છે. મતદારોને વિતરણ કરાયેલા આ ગણતરી ફોર્મની તપાસ અને ડિજિટાઇઝેશનનું કામ અધિકારીઓ દ્વારા ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ખાસ કરીને ધાનેરા (બનાસકાંઠા) અને લીમખેડા (દાહોદ) બે વિધાનસભા વિસ્તારોમાં 100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે.

2025ની મતદાર યાદી માટે રાજ્યના 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ આપવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન જાણવા મળ્યું કે 15.58 લાખથી વધુ લોકોનું અવસાન થઈ ચૂક્યું છે છતાં તેમના નામો મતદાર યાદીમાં હતા. ઉપરાંત 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે. સૌથી મોટી સંખ્યા એટલે કે 21.86 લાખ જેટલા મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ગયા છે, એટલે તેઓ હવે તેમના મૂળ સરનામાં પર ઉપલબ્ધ નથી. આ સમગ્ર પ્રક્રિયાથી સ્પષ્ટ થાય છે કે 2025ની નવી મતદાર યાદી અગાઉની તુલનાએ ઘણું વધુ સ્વચ્છ, સચોટ અને અપડેટેડ હશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel