જ્યારે ભારતીય અબજોપતિઓની વાત આવે છે ત્યારે નજર સામે પ્રથમ નામ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું આવે છે. જો કે, વર્ષ 2023 માં આ બે અબજોપતિઓની તુલનામાં મહિલા ઉદ્યોગપતિની સંપત્તિમાં YTD એટલે કે વાર્ષિક ધોરણે સૌથી વધુ વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ડેટા દ્વારા આ માહિતી સામે આવી છે.
સાવિત્રી જિંદાલ કોણ છે?
આ મહિલા બિઝનેસમેનનું નામ સાવિત્રી જિંદાલ છે. ઓપી જિંદાલ ગ્રુપના તેઓ ચેરપર્સન છે. ઉલ્લેખનીય છે કે સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે. આ સાથે તે દેશના પાંચમા સૌથી અમીર અબજોપતિ પણ ગણાય છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર સાવિત્રી જિંદાલની સંપત્તિમાં YTD આધારે 9.58 બિલિયન ડોલરનો વધારો થયો છે જે ભારતીય અબજોપતિઓમાં સૌથી વધુ છે. હાલમાં સાવિત્રી જિંદાલની સંપત્તિ 25.3 બિલિયન ડોલર છે અને તે વિશ્વની 62મી સૌથી ધનિક અબજોપતિ છે.
જાણો દેશના અન્ય ધનિકો વિશે
IT ક્ષેત્રની દિગ્ગજ HCLના શિવ નાદર બીજા ભારતીય અબજોપતિ છે જેમની સંપત્તિમાં YTD આધારે સૌથી વધુ વધારો થયો છે. નાદરની સંપત્તિમાં 8.12 બિલિયન ડોલરનો વધારો થયો છે. તેઓ વિશ્વના 44મા સૌથી ધનિક અબજોપતિ છે અને તેમની કુલ સંપત્તિ 32.6 બિલિયન ડોલર છે. આ પછી DLFના કેપી સિંહ, કુમાર બિરલા અને શાપૂર મિસ્ત્રી આ યાદીમાં સામેલ છે.
જાણો અંબાણી અને અદાણીનું સ્થાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં 5.16 અબજ ડોલરનો વધારો થયો છે, જેઓ વિશ્વના અબજોપતિઓની રેન્કિંગમાં 13મા ક્રમે છે. હાલમાં મુકેશ અંબાણીની સંપત્તિ 92.3 બિલિયન ડોલર છે અને તેઓ ભારતના સૌથી અમીર અબજોપતિ છે. ગૌતમ અદાણીની વાત કરીએ તો વાર્ષિક ધોરણે 35.4 બિલિયન ડોલર નું નુકસાન થયું છે. અદાણીની સંપત્તિ 85.1 અબજ ડોલર છે.
તમને જણાવી દઈએ કે હિંડનબર્ગનો રિપોર્ટ જાન્યુઆરીમાં જાહેર થયો હતો. આ સાથે અદાણીની સંપત્તિમાં કડાકો બોલી ગયો હતો. ટોચના અબજોપતિઓની યાદીમાંથી સરકી ગયા બાદનીતેમ સંપત્તિ પણ 50 અબજ ડોલરથી પણ નીચે આવી ગઈ હતી.