ભારતના ઓડિશાના પૂરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર દેશ વિદેશમાં ખૂબ જાણીતું મંદિર છે. હિન્દુઓ માટેનું આ એક મોટું યાત્રાધામ છે. આ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે. ભારતના ચાર ધામ તીર્થ સ્થળોમાંના એક એવા આ મંદિરનનું બાંધકામ 12મી સદીમાં ગંગા વંશના રાજા અનંતવર્મન ચોડગંગા દેવે શરૂ કર્યું હતું અને 13 મી સદીમાં અનંગભિમ દેવા ત્રીજા દ્વારા પૂર્ણ થયું હતું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાનજગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાની લાકડાની મૂર્તિઓ સ્થાપિત છે.
દર 8,12 કે 19 વર્ષે આ મૂર્તિઓને નવી મૂર્તિઓથી બદલવામાં આવે છે જેને નાબાકલેબારા કહેવાય છે. આ મંદિર કલિંગ સ્થાપત્યનું ખૂબ જ સુંદર ઉદાહરણ છે. જેમાં વક્ર શિખરો અને જટિલ કોતરણી છે. મંદિર સંકુલ એક મોટી સીમા દિવાલથી ઘેરાયેલું છે જેમાં ચાર મુખ્ય દરવાજા છે – સિંહદ્વાર, હસ્તીદ્વાર, અશ્વદ્વાર અને વ્યાઘ્રદ્વાર.
મંદિરના રહસ્ય
આ મંદિર તેના બાંધકામની દ્રષ્ટિએ ખૂબ અનોખુ છે. તો સાથે આ મંદિર સાથે જોડાયેલા અમુક રહસ્યો આજે પણ વણઉકેલ્યા છે. આજે પણ મૂર્તિઓ જ્યારે બદલવામાં આવે છે ત્યારે પૂજારીની આંખે પાટા બાંધવાથી લઈને આખા ગામમાં વીજળી બંધ કરવામાં આવે છે. તો મંદિર દરિયાકિનારે સ્થિત હોવા છતાં ગર્ભ ગૃહમાં તેનો અવાજ આવતો નથી કે પછી દિવસના કોઈપણ સમયે મંદિરનો પડછાયો પડતો નથી. આવા અનેક રહસ્યોથી ભરેલા આ મંદિરમાં તાજેતરમાં જ એક ઘટના બની હતી જ્યાં એક ગરુડ ધજા લઈને ઊડતો નજર આવ્યો હતો. ત્યારે ચાલો જાણીએ કે મંદિરની ધજા બદલવાનું શું મહત્ત્વ છે.
પુરીની રથયાત્રામાં ઉભરાય છે માનવ મહેરામણ
જગન્નાથ પુરી મંદિર હિન્દુ ભક્તો માટે એક મુખ્ય તીર્થસ્થળ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ ‘જગતના સ્વામી’ છે. દર વર્ષે અહીં યોજાતી રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેમાં કૃષ્ણ તેમના ભઇ બલરામ અને બહેન સુભદ્રાને વિશાળ રથમાં બેસાડીને ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવે છે. મંદિરમાં તૈયાર કરાયેલા મહાપ્રસાદનું વિશેષ મહત્વ છે. જે હજારો ભક્તોમાં વહેંચવામાં આવે છે. આ મંદિરના રસોડાને વિશ્વના સૌથી મોટા મંદિરના રસોડામાંનું એક માનવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે – જેમ કે કે મંદિરની ટોચ પર ફરકાવવામાં આવેલી ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી રહે છે. તેથી જગન્નાથ પુરી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પણ પ્રતીક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા આવે છે.
ધજા બદલવાનું ધાર્મિક મહત્વ
જગન્નાથ પુરી મંદિરમાં દરરોજ ધજા બદલવાની પરંપરાનું ઊંડું ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ પરંપરા લગભગ 800 વર્ષથી ચાલી આવી છે અને તેની સાથે ઘણી માન્યતાઓ અને રહસ્યો જોડાયેલા છે. જગન્નાથ મંદિરની ટોચ પર સ્થિત 20 ફૂટ લાંબી ત્રિકોણાકાર ધજા દરરોજ બદલવામાં આવે છે. આ કામ ‘ચોલા’ પરિવાર દ્વારા કરવામાં આવે છે. જેઓ પેઢીઓથી આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. એવું કહેવાય છે કે એકવાર ભગવાન જગન્નાથ એક ભક્તના સ્વપ્નમાં આવ્યા અને તેમને કહ્યું કે તેમની ધજા જૂની અને ફાટી ગયેલી છે. બીજા દિવસે જ્યારે મંદિરના પૂજારીઓએ જોયું ત્યારે ધજા ખરેખર એ જ હતી. ત્યારથી આ પરંપરા શરૂ થઈ કે દરરોજ એક નવી ધજા ફરકાવવામાં આવશે. તેથી આ કાર્ય દરરોજ ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે.
ધજાનો પ્રતીકાત્મક અર્થ
આ ધજા ભગવાન જગન્નાથની હાજરી અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ ધજા સમુદ્રમાંથી ફૂંકાતા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. જે પોતે જ એક રહસ્ય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એવું માનવામાં આવે છે કે તે હવાની અસરને કારણે છે જ્યાં મંદિરની રચનાને કારણે પવનની દિશા બદલાય છે.
ધજા બદલવાની પ્રક્રિયા
ધજા બદલવાની પ્રક્રિયા અત્યંત સાહસિક અને કુશળ છે. સેવાદારો કોઈપણ સુરક્ષા વિના મંદિરના 214 ફૂટ ઊંચા શિખર પર ચઢે છે અને જૂની ધજા ઉતારીને નવી ધજા ચઢાવે છે. આ કામ દરરોજ કરવામાં આવે છે. ધજા બદલવાની આ પરંપરા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી પરંતુ તે ભગવાન જગન્નાથ પ્રત્યે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું પણ પ્રતીક છે. આ પરંપરા મંદિરની દિવ્યતા અને તેની શાશ્વતતા દર્શાવે છે.