વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતાં ઘણા લોકો માટે રસનો વિષય બનેલા યુએઇના ગોલ્ડન વિઝા સંબંધિત અહેવાલો વિશે હવે સ્પષ્ટતા આવી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુએઇ સરકાર હવે ૨૩ લાખ રૂપિયાની ચુકવણી બદલ આજીવન ગોલ્ડન વિઝા આપી રહી છે, અને ખાસ કરીને ભારતીય નાગરિકો માટે આ તક ઉપલબ્ધ છે. આ અહેવાલોએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચરચા જગાવી હતી.
ત્યારે હવે યુનાઇટેડ અરબ એમિરેટ્સની ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી, સિટીઝનશિપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ્સ સિક્યોરિટી (ICP) દ્વારા આવા તમામ દાવાઓને જાહેરરીતે ખંડન કરવામાં આવ્યું છે. ICPએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે “હાલ યુએઇ પાસે કોઈ આવી યોજનાઓ નથી જેમાં આજીવન ગોલ્ડન વિઝા અપાતા હોય” અને વિઝાની મંજૂરી માટેના તમામ નિયમો, પાત્રતાઓ તથા સમયમર્યાદા પહેલેથી જ કાયદામાં નિર્ધારિત છે.
સત્તાવાર નિવેદનમાં આ પણ ઉમેરવામાં આવ્યું છે કે “જેણે પણ ગેરમાર્ગે દોરતા અહેવાલો અથવા ખોટી માહિતી ફેલાવી છે, તેમના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાશે.” યુએઇ સરકારે લોકોને સતર્ક કરતા કહ્યું છે કે કોઈ પણ પ્રકારની વિઝા સંબંધિત માહિતી માટે માત્ર સત્તાવાર સરકારી પોર્ટલ કે અધિકૃત દૂતાવાસો પર વિશ્વાસ રાખવો જોઈએ.
ગત કેટલાક મહિનાઓથી ઘણા દેશોના નાગરિકો, ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના લોકો માટે એવી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હતી કે ફાળવેલી ચોક્કસ રકમ ચૂકવીને યુએઇની નાગરિકતા અથવા આજીવન વિઝા મેળવવા શક્ય છે. પરંતુ હકીકત એ છે કે યુએઇનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ ખાસ ચોક્કસ શ્રેણી – જેમ કે રોકાણકારો, વૈજ્ઞાનિકો, સ્ટાર્ટઅપ ઓનર્સ, કલાકારો અને કુશળ વ્યાવસાયિકો – માટે જ ઉપલબ્ધ છે, અને તે પણ 10 વર્ષની સમયમર્યાદા સાથે, જે નવીનીકરણ સાતત્યના આધારે થાય છે.
આ સંદર્ભે ખાસ કરીને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે કે આવા છલપટ્ટી દાવાઓમાં આવીને કોઈ પણ રકમ ન ચૂકવે. યુએઇ સરકારની સ્પષ્ટતા પછી હવે આ વિષય પર તમામ પ્રકારની ગેરસમજ દૂર થઈ ગઈ છે.