રવિવારે (27 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે હતા. અહીં તેમણે અરિયાલુર જિલ્લામાં આવેલા ગંગાઈકોંડા ચોલપુરમની મુલાકાત લીધી. આ મુલાકાત ચોલ વંશના મહાન રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમના (Rajendra Chola-I) દક્ષિણ-પૂર્વ એશિયામાં નૌકાદળ અભિયાનની 1000મી વર્ષગાંઠ અને તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આરતી કરી, રાજેન્દ્ર પ્રથમ ચોલના સન્માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડ્યો અને ચોલ વંશની ગૌરવશાળી વિરાસત વિશે પ્રેરણાદાયી ભાષણ પણ આપ્યું હતું.
બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખાતા ગંગાઈકોંડા ચોલીશ્વરમની પથ્થરની ઇમારત છે. જે તમિલનાડુના અરિયાલુર જિલ્લાના ઉદયરપલયમ તાલુકામાં આવેલા એક અજ્ઞાત ગામ, ગંગાઈકોંડા ચોલાપુરમના ઇતિહાસમાં પ્રભુત્વ ધરાવે છે. રાજેન્દ્ર ચોલે ગંગા નદીના કિનારે પોતાના વિજયી અભિયાન પછી આ શહેરની સ્થાપના કરી. આ સ્થળ લગભગ 250 વર્ષ સુધી ચોલવંશનું જીવંત પાટનગર હતું. આ શહેર, તેનું મંદિર અને તેનું ચોલાગંગમ નામનું વિશાળ તળાવ રાજેન્દ્ર ચોલા પ્રથમની (શાસનકાળ 1012-1044 એડી) મહત્વપૂર્ણ સિદ્ધિઓનું પ્રતીક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈ, 2025ના રોજ તિરુચિરાપલ્લી (ટ્રિચી) એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ગંગાઈકોંડા ચોલપુરમ પહોંચ્યા. તેમનું સ્વાગત પરંપરાગત પૂર્ણ કુંભ વિધિ અને ઓધુવારો દ્વારા થેવરમ ગીતોના પઠન સાથે કરવામાં આવ્યું. તેમણે પરંપરાગત તમિલ વેશભૂષામાં ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ગંગાઈકોંડા ચોલપુરમ ડેવલપમેન્ટ કાઉન્સિલ ટ્રસ્ટના અધ્યક્ષ આર. કોમગનની વિનંતીને સ્વીકારીને રાજેન્દ્ર ચોલ પ્રથમના સન્માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડ્યો. આ ઉપરાંત તેમણે રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલની ભવ્ય પ્રતિમાઓ તમિલનાડુમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી, જે ચોલ વંશની વારસોને વધુ ઉજાગર કરશે.
PM મોદીનું ભાષણ: ચોલવંશની ગૌરવગાથા
પીએમ મોદીએ પોતાના ભાષણમાં ચોલ વંશની સાંસ્કૃતિક, રાજકીય અને સૈન્ય શક્તિની પ્રશંસા કરી. તેમણે ચોલ સામ્રાજ્યને ભારતના સુવર્ણ યુગોમાંનું એક ગણાવ્યું અને ખાસ કરીને ‘કુડાવોલાઈ’ (લોકશાહી) ચૂંટણી પદ્ધતિનો ઉલ્લેખ કર્યો, જેને તેમણે બ્રિટનના મેગ્ના કાર્ટા કરતાં પણ પ્રાચીન લોકશાહી પદ્ધતિ તરીકે વર્ણવી. આ પદ્ધતિ ચોલ યુગમાં ગ્રામીણ સ્તરે ચૂંટણીઓ યોજવા માટે વપરાતી હતી, જે ભારતની લોકશાહી પરંપરાનું પ્રતીક છે.
Honoured to be at Gangaikonda Cholapuram Temple for the Aadi Thiruvathirai Festival. https://t.co/r2huJD0dUm
— Narendra Modi (@narendramodi) July 27, 2025
તેમણે રાજેન્દ્ર ચોલના દક્ષિણ-પૂર્વ એશિયામાં નૌકાદળ અભિયાનોની વાત કરી, જેમણે શ્રીવિજય (હાલનું ઈન્ડોનેશિયા), શ્રીલંકા, માલદીવ અને ખ્મેર સામ્રાજ્ય (કંબોડિયા) સુધી ચોલ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. આ અભિયાનોએ ચોલ વંશને ભારતની શ્રેષ્ઠ નૌકાદળ શક્તિઓમાંનું એક બનાવ્યું. મોદીએ ઉલ્લેખ કર્યો કે ચોલ રાજાઓએ ભારતને સાંસ્કૃતિક એકતાના સૂત્રમાં બાંધ્યું હતું અને આજે તેમની સરકાર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના ઉદ્દેશ્ય સાથે આ પરંપરાને આગળ વધારી રહી છે.
તેમણે કાશી અને તમિલનાડુના આધ્યાત્મિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો, જણાવ્યું કે રાજેન્દ્ર પ્રથમ કાશીથી ગંગાજળ લાવ્યા હતા અને આ ઐતિહાસિક સ્થળે તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમણે કાશી તમિલ સંગમમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવા કાર્યક્રમો દ્વારા ભારતની સાંસ્કૃતિક એકતાને મજબૂત કરવાના પ્રયાસોની વાત કરી હતી.
આ પ્રસંગે, ડીએમકે સરકારે ચોલગંગમ તળાવના પુન:નિર્માણ માટે 19 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. આ તળાવ, જે એક સમયે 16 માઈલ સુધી ફેલાયેલું હતું, હાલમાં ખૂબ ખરાબ સ્થિતિમાં છે. ચોલ રાજાઓની અદ્વિતીય જળ વ્યવસ્થાપન અને ઈજનેરી કૌશલ્યનું પ્રતીક એવું આ તળાવ ગંગાઈકોંડા ચોલપુરમની પીવાના પાણીની જરૂરિયાતો અને ખેતી માટે સિંચાઈ પૂરી પાડતું હતું. ચોલવંશના ઐતિહાસિક મહત્વને જાળવી રાખવા આ તળાવના પુન:નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજેન્દ્ર-1નો જન્મ અને રાજા બનવા સુધીની યાત્રા
સૂર્યવંશી રાજા રાજેન્દ્ર પ્રથમનો જન્મ ઈ.સ. 971માં મદુરન્તકના ખાતે થયો હતો અને તેઓ ચોલ વંશના મહાન રાજા રાજરાજ ચોલ Iના પુત્ર હતા. યુવરાજ બનતા પહેલાં જ તેમણે પશ્ચિમના ચાલુક્યોના પ્રદેશો ઈડૈતુરૈનાડુ (રાયચુર દોઆબ), વનવાસી (ઉત્તર કનાડા), કોલ્લિપ્પાકૈ (કુલપક) અને મણ્ણૈક્કડક્કમ્ (માન્યખેટ) વગેરે જીતી લીધા હતા. તેમના પિતાએ ઈ.સ.1012માં તેમની ઘોષણા યુવરાજ તરીકે કરી હતી. ત્યારપછી 1014માં તેમણે રાજગાદી સાંભળી હતી.
ગાદીએ બેઠા પછી (1014) રાજેન્દ્ર પ્રથમે ચોલ સામ્રાજ્યને ગૌરવના શિખરે પહોંચાડ્યું હતું અને તેણે સ્થાપેલું ચોલ સામ્રાજ્ય એ સમયનું સૌથી વિશાળ અને પ્રતિષ્ઠિત હિંદુ સામ્રાજ્ય હતું. તેમના શાસન દરમિયાન તેમણે અસાધારણ લશ્કરી કૌશલ્ય, નૌકાદળની શક્તિ અને વહીવટી કુશળતા દર્શાવી. તેમનો જન્મ નક્ષત્ર ‘તિરુવાતિરા’ (આર્દ્રા) હોવાનું મનાય છે, જેના નામે આદિ તિરુવાતિરા ઉત્સવ ઉજવવામાં આવે છે.
રાજેન્દ્ર ચોલ પ્રથમનું સામ્રાજ્ય
શ્રીલંકા-કેરળ પર વિજય
1017માં તેમણે શ્રીલંકા પર વિજય મેળવ્યો, ત્યારપછી 1018માં ચોલ-પરંપરા પ્રમાણે રાજેન્દ્રે પુત્ર રાજાધિરાજને યુવરાજ તરીકે નીમ્યો હતો. પાંડ્ય અને ચેર (કેરળ) ઉપર પણ રાજેન્દ્રે સત્તા સ્થાપીને ત્યાંના શાસક તરીકે પુત્ર જયવર્માને ‘ચોડ-પાંડ્ય’નું બિરુદ આપીને નીમ્યો હતો. આ દરમિયાન રાજેન્દ્રની ચાલુક્યો અને આસપાસના રાજ્યો સાથે સંઘર્ષ ચાલુ જ હતો.
ચાલુક્યો પર વિજય અને ઉત્તર ભારત તરફ કૂચ
ચાલુક્યો ઉપરના વિજય-અભિયાન પછી રાજેન્દ્ર-1લાએ ઉત્તર ભારત તરફ લશ્કરી કૂચ કરી હતી (1021-1025). સૌપ્રથમ વેંગીના ચાલુક્ય રાજા વિજયાદિત્યને હરાવ્યો, ત્યાંથી આગળ વધીને કલિંગના રાજા મધુકામાર્ણવને હરાવ્યો. કલિંગથી ઓડ્ર (ઓરિસા), દક્ષિણ કોશલ થઈને બંગાળનાં નાનાં-મોટાં રાજ્યો, ઈશાન હિંદમાં પાલવંશી મહીપાલને હરાવ્યો અને ગંગાકાંઠે પહોંચ્યા.
‘ગંગાઈકોંડ’ની ઉપાધિ
અહીંથી રાજેન્દ્ર પાછો વળ્યો. કોઈ જ પ્રદેશ ઉપર રાજ્યવિસ્તાર ન કર્યો. આ વિજયની યાદમાં તેણે ‘ગંગાઈકોંડ’ ઉપાધિ ધારણ કરી હતી. ગોદાવરીકાંઠે લશ્કરી છાવણી નાખી અને તિરુચિરાપલ્લીનાં જંગલ સાફ કરાવીને નવી રાજધાની ‘ગંગાઈકોંડચોલપુરમ્’ની સ્થાપના કરી હતી. નવી રાજધાનીમાં સરોવર બાંધ્યું અને કોલેરૂન અને વલ્લરુ નદીઓ તેમાં વાળી. ખેતીના વિકાસ માટે 25.76 કિમી. (સોળ માઈલ) લાંબી એક નહેર (તળાવ જે વર્તમાનમાં ચોલગંગમ તરીકે ઓળખાય છે) પણ બંધાવી હતી.
દક્ષિણ-પૂર્વ એશિયામાં નૌકાદળ અભિયાન
રાજેન્દ્રનું સૌથી પ્રખ્યાત અભિયાન અભિયાન સમુદ્રમાર્ગે અગ્નિ એશિયા વિસ્તારમાં થયું હતું. ઈ.સ.1025માં દક્ષિણ-પૂર્વ એશિયાના શ્રી વિજય સામ્રાજ્ય (આજના જાવા, સુમાત્રા અને અન્ય દ્વીપો) વિરુદ્ધ હતું. આ અભિયાનનું મુખ્ય કારણ હિન્દ મહાસાગરના વેપારી માર્ગો પર શ્રી વિજયનું નિયંત્રણ હતું, જે ચોલોના વેપારી અને રાજનૈતિક હિતોને અસર કરતું હતું.
‘કડારનકોંડ’ બિરુદ
ત્યારપછી મલયદ્વીપમાં શૈલેન્દ્રનો શક્તિશાળી કિલ્લો ‘કડારન’ જીત્યો અને રાજાને કેદ પકડ્યો. આ વિજયની યાદમાં રાજેન્દ્રે ‘કડારનકોંડ’ બિરુદ પણ ધારણ કર્યું હતું. રાજેન્દ્રના શક્તિશાળી નૌકાદળે આ પ્રદેશો પર વિજય મેળવ્યો, જે ભારતીય ઇતિહાસમાં નૌકાદળની શક્તિનું અદ્વિતીય ઉદાહરણ છે. ઉપર્યુક્ત વિજયને અંતે રાજેન્દ્રનું સામ્રાજ્ય ઉત્તરે ગંગા-કાંઠાથી માંડીને દક્ષિણે સિંહલદ્વીપ સુધી અને બંગાળના ઉપસાગરથી જાવા-સુમાત્રા, મલયદ્વીપ તેમજ આંદામાન-નિકોબાર સુધી ફેલાયું હતું.
રાજેન્દ્ર ચોલ I દ્વારા નિર્મિત મંદિરો અને તેમની વિશેષતાઓ
રાજેન્દ્ર ચોલ I એક મહાન શાસક સાથે નિર્માતા પણ હતા, જેઓ ચોલ સ્થાપત્યની ભવ્યતાને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. તેમના શાસન દરમિયાન બાંધવામાં આવેલાંઆં મંદિરો ચોલ કલા, સ્થાપત્ય અને શિવ ભક્તિનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.
ગંગાઈકોંડા ચોલપુરમ મંદિર (બૃહદીશ્વર મંદિર):
નિર્માણ
ગંગાઈકોંડા ચોલપુરમ મંદિર રાજેન્દ્ર ચોલ પ્રથમ દ્વારા 1030 ઈ.સ.ની આસપાસ બનાવવામાં આવ્યું હતું, જે તેમના પિતા રાજરાજ ચોલ I દ્વારા થંજાવુરમાં બનાવવામાં આવેલા બૃહદેશ્વર મંદિરની નકલ હતું, પરંતુ તેની ડિઝાઇનમાં વધુ નાજુકતા અને ભવ્યતા દર્શાવવામાં આવી.
વિશેષતાઓ
આ મંદિર યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ તરીકે સૂચિબદ્ધ છે અને ચોલ સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંનું એક માનવામાં આવે છે.
મંદિરનું વિમાન (ગોપુરમ) નરમ વળાંકો અને ભવ્ય શિલ્પો ધરાવે છે, જે થંજાવુરના મંદિરની સીધી અને ભવ્ય રચના કરતાં વધુ શાંત અને લાવણ્યમય શક્તિનું પ્રતીક છે.
મંદિરની દિવાલો પર શિવના વિવિધ સ્વરૂપો, નૃત્યના ભાવ, દેવી-દેવતાઓ અને પૌરાણિક દૃશ્યોની શિલ્પકૃતિઓ જોવા મળે છે. ખાસ કરીને, નટરાજનું શિલ્પ અને શિવ-પાર્વતીની યુગલ આકૃતિઓ અદ્ભુત છે.
મંદિરની નજીક ચોલગંગમ તળાવ, જે 17 કિલોમીટરનો વિશાળ કૃત્રિમ જળાશય છે, રાજેન્દ્રના ઉત્તરીય અભિયાનની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ તળાવને ‘ગંગા-જલમય જયસ્તંભ’ તરીકે ઓળખવામાં આવે છે.
અન્ય નિર્માણો
રાજેન્દ્ર પ્રથમે ગંગાઈકોંડા ચોલપુરમને નવી રાજધાની તરીકે સ્થાપિત કરી અને અહીં ભવ્ય મહેલો, જળાશયો અને વહીવટી ઈમારતો બનાવી. જોકે, આમાંની ઘણી રચનાઓ 19મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન નષ્ટ થઈ ગઈ.
તેમણે શ્રીલંકામાં અનેક શૈવ અને બૌદ્ધ મંદિરોનું નવીનીકરણ અને પુનર્નિર્માણ પણ કરાવ્યું, જે ચોલોની સર્વધર્મ સમભાવની નીતિને દર્શાવે છે.
રાજેન્દ્ર ચોલ Iનું ઐતિહાસિક મહત્વ
રાજેન્દ્ર ચોલ Iનું ઐતિહાસિક મહત્વ અનેક પાસાઓમાં દેખાય છે.
નૌકાદળની શક્તિ
રાજેન્દ્ર ચોલ પ્રથમ ભારતીય ઇતિહાસના પ્રથમ શાસક હતા, જેમણે નૌકાદળનો ઉપયોગ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં સામ્રાજ્ય વિસ્તાર્યું. આ અભિયાનોએ ચોલ સામ્રાજ્યને હિન્દ મહાસાગરના વેપારી માર્ગો પર પ્રભુત્વ આપ્યું અને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેલાવ્યો.
સ્થાપત્ય અને સંસ્કૃતિ
ગંગાઈકોંડા ચોલપુરમ મંદિર અને ચોલગંગમ તળાવ ચોલોની સ્થાપત્ય અને ઈજનેરી કુશળતાનું પ્રતીક છે. આ નિર્માણો શૈવ ભક્તિ, કલા અને સાહિત્યના કેન્દ્ર બન્યા, જેનો પ્રભાવ આજે પણ જોવા મળે છે.
વહીવટી વ્યવસ્થા
રાજેન્દ્રએ ‘કુડાવોલાઈ અમૈપ્પુ’ નામની પ્રાચીન લોકશાહી પ્રણાલીને પ્રોત્સાહન આપ્યું, જેમાં ગામના સ્તરે ચૂંટણીઓ દ્વારા વહીવટી અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં આ પ્રણાલીને બ્રિટનના મેગ્ના કાર્ટા કરતાં પણ જૂની ગણાવી, જે ચોલોની વહીવટી શ્રેષ્ઠતાને દર્શાવે છે.
સાંસ્કૃતિક એકીકરણ
રાજેન્દ્ર ચોલ Iએ શૈવ, વૈષ્ણવ અને બૌદ્ધ ધર્મોને સમાન આદર આપ્યો, જેનાથી ચોલ સામ્રાજ્યમાં સાંસ્કૃતિક એકતા સ્થાપિત થઈ. તેમણે ગંગા નદીના પાણીને કાવેરી નદીના પ્રદેશમાં લાવીને ભારતની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક રજૂ કર્યું, જેનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં પણ કર્યો.
તેમણે મેળવેલાં બિરુદો
દક્ષિણ ભારતના ચોલ વંશનો પ્રતાપી શાસક. ‘ગંગૈકોંડ’, ‘કડારનકોંડ’, ‘વિક્રમ ચોડ’, ‘પરકેસરી વર્મા’ અને ‘વીર રાજેન્દ્ર’ તેમનાં બિરુદો હતાં.
રાજેન્દ્ર ચોલ I એક એવા શાસક હતા, જેમણે ચોલ સામ્રાજ્યને એશિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંનું એક બનાવ્યું. તેમના નૌકાદળ અભિયાનો, ભવ્ય સ્થાપત્ય અને વહીવટી નવીનતાઓએ ભારતીય ઇતિહાસમાં અમર ચિહ્નો છોડ્યા. ગંગાઈકોંડા ચોલપુરમ મંદિર અને ચોલગંગમ તળાવ આજે પણ તેમની શ્રેષ્ઠતાની સાક્ષી પૂરે છે. 27 જુલાઈ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અને સ્મારક સિક્કાનું વિમોચન રાજેન્દ્ર ચોલ પ્રથમની વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુનઃજાગૃત કરવાનો પ્રયાસ છે. ચોલ સામ્રાજ્યનો આ સુવર્ણ યુગ ભારતની સાંસ્કૃતિક, રાજનૈતિક અને લશ્કરી શક્તિનું પ્રતીક છે, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે.