વર્તમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. નવી દિલ્હી અને ટોક્યો વચ્ચે અનેક MoUs પર હસ્તાક્ષર થયા છે, જે બંને દેશો વચ્ચે આર્થિક સહકારને વધુ ઊંચાઈએ લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. આ દરમિયાન 29 ઑગસ્ટે, જાપાનના ગુન્મા પ્રીફેક્ચરના તાકાસાકી શહેરમાં આવેલા ઐતિહાસિક શોરિનઝાન દારૂમા-જી મંદિર ખાતેના મુખ્ય પૂજારી રેવરન્ડ સેઇશી હિરોસેએ વડા પ્રધાન મોદીને એક વિશિષ્ટ સાંસ્કૃતિક ભેટ – દારૂમા ડૉલ – અર્પણ કરી. આ ભેટ માત્ર જાપાનની સંસ્કૃતિનું પ્રતીક જ નથી, પરંતુ ભારત અને જાપાન વચ્ચે સહસ્ત્રાબ્દીઓ જૂના આધ્યાત્મિક સંબંધોને યાદ અપાવતું એક અનમોલ પ્રતીક પણ છે.
#WATCH | Tokyo | Chief Priest of Shorinzan Daruma-Ji Temple presents Daruma Doll to PM Modi
(Video source: ANI/DD) pic.twitter.com/m4alaRQBMZ
— ANI (@ANI) August 29, 2025
દારૂમા ડૉલનો ઇતિહાસ બૌદ્ધ ધર્મના મહાન ભારતીય સાધુ બોધિધર્મ સાથે સીધો જોડાયેલો છે, જેમને જાપાનમાં દારૂમા દૈશી તરીકે ઓળખવામાં આવે છે. બોધિધર્મનું જન્મસ્થળ દક્ષિણ ભારત (કાંચીપુરમ, તમિલનાડુ) માનવામાં આવે છે અને તેમણે 5મી-6ઠી સદી દરમિયાન ચીનમાં જઈ બૌદ્ધ ધર્મના ઝેન પંથનો પ્રચાર કર્યો, જે બાદમાં જાપાનમાં પહોંચ્યો. જાપાનની સંસ્કૃતિ અને આધ્યાત્મિક જીવન પર બોધિધર્મની અખૂટ છાપ પડી. 17મી સદીમાં ગુન્માના શોરિનઝાન દારૂમા-જી મંદિરથી આ ડૉલની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં મંદિરના પૂજારીઓએ બોધિધર્મની છબી સાથે નવા વર્ષની તાવીઝો બનાવી, જેને ખેડૂતો શુભ પાક અને દુર્ભાગ્યથી બચાવ માટે ઉપયોગ કરતા. બાદમાં તેને કાગળ અને ગુંદરથી બનેલી ગોળ ડૉલના સ્વરૂપમાં વિકસાવવામાં આવી, જે આજે “દારૂમા ડૉલ” તરીકે જાણીતી છે.
આ ડૉલની ડિઝાઇન બોધિધર્મની દંતકથાથી પ્રેરિત છે. કહેવાય છે કે તેમણે ચીનના શાઓલિન મંદિરમાં સતત નવ વર્ષ સુધી દિવાલ સામે ધ્યાન કર્યું હતું, જેના કારણે તેમના હાથ અને પગ નિષ્ક્રિય થઈ ગયા. તેથી દારૂમા ડૉલનું ગોળ, હાથ-પગ વગરનું શરીર આ વાર્તાને પ્રતિબિંબિત કરે છે. આ ડૉલની ખાસિયત એ છે કે તેને કેટલો પણ ધક્કો મારવામાં આવે, તે હંમેશા સીધી થઈને ઉભી થઈ જાય છે. આ ગુણ જાપાની કહેવત “નાનાકોરોબી યાઓકી” (અર્થાત્ – “સાત વાર પડો, આઠમી વાર ઊભા થાઓ”)ને વ્યક્ત કરે છે. એટલે દારૂમા ડૉલ ધીરજ, સંકલ્પ અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક માનવામાં આવે છે.
જાપાનમાં આ ડૉલનો ઉપયોગ ખાસ કરીને લક્ષ્ય નિર્ધારણ માટે થાય છે. તેની આંખો શરૂઆતમાં ખાલી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મોટું લક્ષ્ય નક્કી કરે છે ત્યારે એક આંખ રંગવામાં આવે છે, જે સંકલ્પનો પ્રતીક છે. જ્યારે તે લક્ષ્ય પૂર્ણ થાય છે ત્યારે બીજી આંખ રંગવામાં આવે છે, જે સફળતાની ઉજવણીનું પ્રતીક છે. આ પરંપરા દારૂમા ડૉલને જાપાની સમાજમાં અત્યંત લોકપ્રિય અને પ્રેરણાદાયક બનાવે છે. વિવિધ પ્રસંગો – જેમ કે પરીક્ષાઓ, નવા વ્યવસાય, આરોગ્યપ્રાપ્તિ અથવા નવા વર્ષની શરૂઆત – માટે લોકો દારૂમા ડૉલને શુભ ચિન્હ તરીકે ખરીદે છે. તે લાલ, સફેદ, સોનેરી અને લીલા સહિતના અનેક રંગોમાં બને છે, અને દરેક રંગનું પોતાનું પ્રતીકાત્મક મહત્વ છે.
લાલ: સારા ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક
સફેદ: પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક
સોનેરી: ધન અને સફળતાનું પ્રતિક
લીલો: આરોગ્ય અને તંદુરસ્તીનું પ્રતિક
આ ડૉલનો ઉપયોગ માત્ર ધાર્મિક હેતુઓ માટે જ થાય છે એવું નથી, પરંતુ તે જાપાનના પૉપ કલ્ચર, રમતો અને એનિમેમાં પણ જોવા મળે છે, જે તેની વ્યાપક લોકપ્રિયતા દર્શાવે છે.
દારૂમા ડૉલ ક્યાં બનાવવામાં આવે છે?
80% દારૂમા ડૉલ જાપાનના ગુન્મા પ્રીફેક્ચરનું તાકાસાકી શહેરમાં આવેલ શોરિનઝાન દારૂમા-જી મંદિર ખાતે બનાવવામાં આવે છે. આ મંદિરને દારૂમા ડૉલનું જન્મસ્થળ માનવામાં આવે છે. 17મી સદીમાં, સદીમાં ડૉલ બનાવવાની શરૂઆત થઈ હતી અને આજે પણ તાકાસાકીમાં દર વર્ષે દારૂમા-ઇચી (દારૂમા ડૉલ ફેસ્ટિવલ) નામનો તહેવાર ઉજવાય છે, જ્યાં હજારો લોકો નવી ડૉલ ખરીદવા અને જૂની ડૉલને વિદાય આપવા આવે છે.
વડા પ્રધાન મોદીને દારૂમા ડૉલ કેમ આપવામાં આવી?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 29 ઑગસ્ટના રોજ દારૂમા ડૉલ ભેટમાં આપવામાં આવી હતી. જાપાની સંસ્કૃતિમાં, દારૂમા ડૉલ ભેટ આપવી એ વ્યક્તિની નિશ્ચયશક્તિ અને લક્ષ્ય પ્રાપ્તિની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કરવાની એક રીત છે. આ ભેટ ભારત અને જાપાન વચ્ચેની ગાઢ મિત્રતા, પરસ્પર આદર અને સહિયારા લક્ષ્યોની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની પ્રગતિ અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાને સન્માન આપવા માટે આ ભેટ આપવામાં આવી હતી.
PM મોદીએ આ ભેટ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “તાકાસાકી-ગુન્મામાં શોરિંઝાન દારુમા-જી મંદિરના મુખ્ય પૂજારી રેવરન્ડ સેઇશી હિરોઝને મળીને મને ખૂબ આનંદ થયો. મને દારુમા ડૉલ ભેટ આપવા બદલ હું તેમનો આભાર માનું છું. જાપાનમાં દારુમાને એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક પ્રતીક માનવામાં આવે છે અને ભારત સાથે પણ તેનો ઊંડો સંબંધ છે. તે પ્રખ્યાત સાધુ બોધિધર્મથી પ્રભાવિત છે.”
It was an honour to meet Rev. Seishi Hirose, Chief Priest of Shorinzan Daruma-Ji Temple in Takasaki-Gunma. My gratitude to him for presenting a Daruma Doll. Daruma is considered to be an important cultural symbol in Japan and also has a connect with India. It is influenced by… pic.twitter.com/HjSWVx78sp
— Narendra Modi (@narendramodi) August 29, 2025
દારૂમા ડૉલનું ભારતીય મૂળ, બોધિધર્મ સાથેનું તેનું જોડાણ આ ભેટને વધુ અર્થપૂર્ણ બનાવે છે. આ ભેટ ભારત-જાપાનના ઐતિહાસિક અને આધ્યાત્મિક જોડાણને ઉજાગર કરે છે, જે બૌદ્ધ ધર્મની ભારતથી ચીન અને જાપાન સુધીની યાત્રાની યાદ અપાવે છે. આ ઉપરાંત, આ ભેટ ભારત-જાપાનના વેપાર, રોકાણ, ટેકનોલોજી, ઊર્જા, નવીનીકરણ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા જેવા ક્ષેત્રોમાં સહયોગને વધારવાના સંયુક્ત લક્ષ્યોનું પણ પ્રતીક છે.
બોધિધર્મ સાથેનું તેનું ભારતીય જોડાણ આ ડૉલને બંને દેશો વચ્ચેના સહસ્ત્રાબ્દીઓ જૂના સંબંધોનું પ્રતીક બનાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ડૉલ ભેટ આપવી એ જાપાનની સંસ્કૃતિની ઝલક બતાવે છે અને ભારતના આધ્યાત્મિક વારસાને ઉજાગર કરે છે, જે આજે પણ વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી છે. આ ભેટ ભારત-જાપાનની મિત્રતા અને સહયોગની નવી ઊંચાઈઓની આશાનું પ્રતીક છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom