ઉત્તર પ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મોટી રાહત આપનાર દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. હાઇકોર્ટ દ્વારા સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન મંજૂર કરવાના આદેશને પડકારતી સીબીઆઇની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કુલદીપ સેંગરને નોટિસ પાઠવીને સીબીઆઇની અપીલ પર જવાબ માગ્યો છે.
સીબીઆઇ તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલ કરી હતી કે આ કેસ એક સગીરા પર થયેલા અત્યંત જઘન્ય બળાત્કારનો છે અને જ્યારે આ ગુનો આચરાયો ત્યારે સેંગર એક પ્રભાવશાળી ધારાસભ્ય હતો. તેમણે સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટના નિર્ણય પર તરત સ્ટે આપવા વિનંતી કરી હતી. બીજી તરફ, સેંગરના વકીલે સીબીઆઇની માગણીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે હાઇકોર્ટના આદેશમાં દખલ ન કરવામાં આવે.
બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જે. કે. મહેશ્વરી અને ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહની બેંચે સ્પષ્ટ આદેશ આપ્યો કે કુલદીપ સેંગરને કોઈ પણ કેસમાં જેલમાંથી છોડવામાં ન આવે. કોર્ટે કહ્યું કે સેંગર સામેના આરોપો અત્યંત ગંભીર છે અને તેને કોઈ પણ મામલામાં જામીન આપી શકાય નહીં. આ સાથે જ હાઇકોર્ટ દ્વારા સજા સસ્પેન્ડ કરવા અને જામીન આપવા અંગેના નિર્ણય પર સ્ટે લગાવી દેવાયો. હવે આ મામલાની આગામી સુનાવણી ચાર સપ્તાહ બાદ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિતા અને તેની માતા પણ હાજર રહ્યા હતા. બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. જોકે, પીડિતાએ કહ્યું હતું કે તે સેંગરને ફાંસીની સજા અપાવાની માગ પર અડગ છે. પીટીઆઇ સાથે ફોન પર વાતચીતમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેના પિતાની હત્યામાં પણ સેંગરનો હાથ છે અને આજ સુધી તેણે પોતાના પિતાની ઉત્તરક્રિયા પણ કરી નથી. તેણે કહ્યું કે હું શરૂઆતથી જ ન્યાય માટે લડી રહી છું અને જ્યાં સુધી સેંગરને ફાંસીના માચડે લટકાવવામાં નહીં આવે ત્યાં સુધી શાંતિથી બેસી નહીં રહેું. આજે પણ મને અને મારા પરિવારને ધમકીઓ મળી રહી છે, તેમ પીડિતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel