લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્માર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની 3 ફેબ્રુઆરી, 2026ના રોજ હત્યા કરવામાં આવી છે. તેઓ 53 વર્ષના હતા. આ ઘટના લિબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા ઝિન્તાન શહેરમાં બની હતી, જે રાજધાની ત્રિપોલીથી અંદાજે 136 કિલોમીટર દૂર આવેલું છે. અજાણ્યા શખ્સોએ તેમના ઘરે ઘૂસીને ગોળીબાર કરતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
વકીલ અને સલાહકાર દ્વારા મૃત્યુની પુષ્ટિ
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીના મૃત્યુની પુષ્ટિ તેમના વકીલ ખાલેદ અલ-ઝાયદી અને રાજકીય સલાહકાર અબ્દુલ્લા ઓથમાને સોશિયલ મીડિયા મારફતે કરી છે. બંનેએ જણાવ્યું હતું કે આ હુમલો આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ચાર માસ્કધારી હુમલાખોરોએ કર્યો હુમલો
પ્રાથમિક તપાસ મુજબ, ચાર અજ્ઞાત શખ્સો માસ્ક પહેરીને સૈફ અલ-ઇસ્લામના ઘરે પહોંચ્યા હતા. હુમલાખોરોએ પહેલાં ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા, ત્યારબાદ સૈફ અલ-ઇસ્લામ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના મંગળવારે સાંજના સમયે બની હતી.
આ ઘટનાને લઈને લિબિયાના એટર્ની જનરલની ઓફિસે તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ડોક્ટરોએ મૃતદેહની તપાસ બાદ પુષ્ટિ કરી છે કે સૈફ અલ-ઇસ્લામનું મૃત્યુ ગોળીના ઘા કારણે થયું છે. હાલ હુમલાખોરોની ઓળખ અને હત્યાના કારણો અંગે તપાસ ચાલી રહી છે. સુરક્ષા સૂત્રો અનુસાર, આ હત્યા પાછળ કોઈ સંગઠિત ગેંગ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોણ હતો સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફી
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફી 1972માં જન્મેલા અને મુઅમ્માર ગદ્દાફીના બીજા પુત્ર હતા. તેમણે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (LSE)માંથી અભ્યાસ કર્યો હતો. ગદ્દાફી શાસન દરમિયાન તેમને ઘણી વખત તેમના પિતાના રાજકીય વારસદાર તરીકે જોવામાં આવતાં, કારણ કે તેઓ લિબિયાની વિદેશ નીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા.
પશ્ચિમ દેશો સાથે સંબંધ સુધારવામાં ભૂમિકા
સૈફ અલ-ઇસ્લામે પશ્ચિમી દેશો સાથે લિબિયાના સંબંધો સુધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે લિબિયાના અણુ હથિયાર કાર્યક્રમને બંધ કરાવવામાં મદદ કરી, તેમજ 1988ના લોકર્બી વિમાન બોમ્બિંગ કેસમાં વળતર અંગેની વાતચીતમાં પણ ભૂમિકા ભજવી હતી. તેઓ લિબિયામાં નવું બંધારણ અને માનવ અધિકારોની વાત કરવાના કારણે ‘સુધારાવાદી’ તરીકે ઓળખાતા હતા.
2011 બાદ વિવાદો અને જેલ
જો કે 2011ના લિબિયન સિવિલ વૉર દરમિયાન તેમની ભૂમિકા ભારે વિવાદાસ્પદ બની હતી. વિરોધીઓને દબાવવાની ધમકીઓના કારણે તેઓ યુદ્ધ અપરાધોના આરોપી બન્યા હતા. બાદમાં તેમને ઝિન્તાનમાં પકડીને છ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. વર્ષ 2015માં ત્રિપોલીની અદાલતે તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ 2017માં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા.
જેલમાંથી છૂટ્યા બાદ સૈફ અલ-ઇસ્લામ ઝિન્તાનમાં જ રહ્યા અને રાજકારણમાં ફરી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. 2021માં તેમણે લિબિયાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી, જે પોતે જ વિવાદાસ્પદ રહી હતી.
લિબિયામાં ફરી અસ્થિરતાની આશંકા
લિબિયા 2011 પછીથી સતત અસ્થિર રહ્યું છે. મિલિશિયા જૂથો વચ્ચે સંઘર્ષ અને મજબૂત કેન્દ્ર સરકારના અભાવે દેશ લાંબા સમયથી અશાંતિમાં છે. સૈફ અલ-ઇસ્લામ ખાસ કરીને પ્રો-ગદ્દાફી સમર્થકોમાં લોકપ્રિય હતા. તેમની હત્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રો-ગદ્દાફી જૂથો ફરી સક્રિય થઈ શકે છે, જેના કારણે લિબિયામાં રાજકીય અને સુરક્ષા સ્થિતિ વધુ બગડી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel