અમદાવાદ શહેરમાં પાણી પુરવઠાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાવાની શક્યતા છે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તાત્કાલિક મેન્ટેનન્સ અને જાળવણી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પ્લાન્ટને અંદાજે 8 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શટડાઉનના કારણે પાણી વિતરણ સિસ્ટમ પર સીધી અસર જોવા મળશે અને અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્લાન્ટ પર જાળવણીની કામગીરી 10 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી. સવારનો નિયમિત પાણી પુરવઠો આપ્યા બાદ સિસ્ટમ બંધ કરવામાં આવતા લાઈનોમાં પાણીનું દબાણ ઘટશે. તેના કારણે 11 ફેબ્રુઆરીના રોજ સવારના પાણી વિતરણ દરમિયાન ઓછા પ્રેશરથી પાણી મળવાની સ્થિતિ ઊભી થશે. AMCએ નાગરિકોને આગોતરા પાણી સંગ્રહ કરવા તેમજ પાણીનો સંયમિત ઉપયોગ કરવા અપીલ કરી છે. સમારકામ પૂર્ણ થયા બાદ બુધવારથી શહેરમાં ફરી નિયમિત અને પૂરતા દબાણથી પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

વિસ્તારવાર અસરની વાત કરીએ તો કોતરપુર પ્લાન્ટ પર નિર્ભર પૂર્વ અમદાવાદના નરોડા, સરદારનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, નિકોલ અને નારોલ જેવા વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળી શકે છે. આ ઉપરાંત ઓઢવ, વિરાટનગર, સૈજપુર અને મધ્ય શહેરના શાહીબાગ, અસારવા, શાહપુર, દરિયાપુર, જમાલપુર અને ખાડિયા વિસ્તારોમાં પણ પાણી ઓછા દબાણથી મળશે. ઉત્તર અમદાવાદના મોટેરા, ચાંદખેડા, સાબરમતી અને સ્ટેડિયમ વિસ્તારમાં પણ પાણી પુરવઠા પર અસર થવાની સંભાવના છે. નાગરિકોને જરૂરીયાત મુજબ પાણી સંગ્રહ રાખવા અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel