નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં નોંધપાત્ર પ્રદર્શન કરતાં પોતાની મજબૂત પકડ યથાવત રાખી છે.
ખાસ કરીને રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી 28માંથી 25 બેઠકો કબજે કરી દબદબો સાબિત કર્યો છે. ઉપરાંત તિલકવાડા અને નાંદોદ તાલુકા પંચાયતોમાં પણ ભાજપને વ્યાપક જનસમર્થન મળતાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે કાર્યકર્તાઓ અને જનતા માટે ભાવુક સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે આ વિજય કાર્યકર્તાઓની અવિરત મહેનત અને જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે. દિવસ-રાત મહેનત કરનાર કાર્યકર્તાઓના સમર્પણને બિરદાવતાં તેમણે મતદારો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે જ તેમણે નૈતિકતા દર્શાવતા સ્વીકાર્યું કે જ્યાં અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થઈ શક્યાં નથી, ત્યાં જિલ્લા પ્રમુખ તરીકે તેઓ સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે. આયોજન કે કાર્યપદ્ધતિમાં રહેલી ખામીઓનું નિખાલસ મૂલ્યાંકન કરી ભવિષ્યમાં વધુ સશક્ત આયોજન સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમની આ સ્પષ્ટતા અને નમ્રતાને રાજકીય વર્તુળોમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
આગળની દિશા અંગે તેમણે જણાવ્યું કે ‘અંત્યોદય’ અને “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સૂત્ર સાથે સેવા અને સમર્પણના ભાવથી કાર્ય ચાલુ રહેશે. નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સંગઠન વધુ એકજુટ બની વિકાસ કાર્યોને ગતિ આપશે, તેવી વિશ્વાસભરી ખાતરી તેમણે વ્યક્ત કરી છે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel