મુંબઈના ઘાટકોપર પશ્ચિમ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. નવાઝ ચાલ વિસ્તારમાં લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક પહાડનો મોટો હિસ્સો નીચે ધસી પડ્યો અને નજીક આવેલી ઝૂંપડીઓ તેની ઝપેટમાં આવી ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી અને ભૂસ્ખલનને કારણે આશરે 6થી 7 ઝૂંપડીઓ કાટમાળ નીચે આવી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, પોલીસ અને બચાવ એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. BMCના જણાવ્યા અનુસાર કાટમાળમાં 7થી 8 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોને બચાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કાટમાળમાંથી અનેક લોકોને બહાર કાઢાયા
સ્થાનિક લોકો અને ચશ્મદીદોના જણાવ્યા અનુસાર બચાવ ટીમોએ અત્યાર સુધીમાં આશરે 5થી 6 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. જોકે હજુ પણ 4થી 5 લોકો દટાયેલા હોવાની આશંકા છે. તેથી બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
ઘાયલોમાં સોહેલ અંસારી અને મોહમ્મદ અંસારીનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. તેમની સારવાર અંગેની વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. ભૂસ્ખલન એટલું અચાનક થયું હતું કે ઝૂંપડીઓમાં રહેલા લોકોને બહાર નીકળવા કે પોતાનો બચાવ કરવા માટે પૂરતો સમય પણ મળ્યો નહોતો.
#WATCH | Mumbai: A landslide occurred at Gaushiya Chawl, Chirag Nagar, near Rathod Medical in Kurla, at around 3:48 am. Two bodies have been recovered, and 6-8 persons are likely to be trapped. Rescue operation is underway.
(Source: NDRF) pic.twitter.com/aiDt2V38nZ
— ANI (@ANI) August 12, 2026
NDRF, ફાયર બ્રિગેડ અને BMCની ટીમો રેસ્ક્યુમાં જોડાઈ
દુર્ઘટના બાદ NDRF, મુંબઈ ફાયર બ્રિગેડ, BMC, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્મીઓ ભારે કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.
ઘટનાસ્થળ સુધી પહોંચતો રસ્તો અત્યંત સાંકડો હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. ભારે સાધનોને અંદર લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાથી બચાવ કામગીરી સાવચેતીપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આસપાસના વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી વધુ કોઈ ઢાળ અથવા પહાડી વિસ્તાર જોખમી સ્થિતિમાં છે કે નહીં તે જાણી શકાય.
ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયાનું DCPનું નિવેદન
DCP ગણેશ શિંદેએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે અશોકનગર વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. તેમના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે.
તેમણે કહ્યું કે BMC, NDRF, મુંબઈ ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતની તમામ સંબંધિત એજન્સીઓ બચાવ અભિયાનમાં જોડાઈ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ઓપરેશન ઝડપી ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે.
કુર્લામાં પણ ભૂસ્ખલનની ઘટના
ઘાટકોપરની ઘટનાની વચ્ચે મુંબઈના કુર્લા વિસ્તારમાં પણ ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. રાઠોડ મેડિકલ નજીક આવેલા ચિરાગ નગરની ગૌસિયા ચાલ વિસ્તારમાં વહેલી સવારે લગભગ 3:48 વાગ્યે ભૂસ્ખલન થયું હોવાનું જણાવાયું છે.
મુંબઈમાં ભારે વરસાદ દરમિયાન પહાડી ઢોળાવો અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી જાય છે. આ બંને ઘટનાઓને પગલે તંત્ર દ્વારા જોખમી વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ઘટનાને લઈને રાજકારણ ગરમાયું
ઘાટકોપરની દુર્ઘટના બાદ રાજકીય આરોપ-પ્રત્યારોપ પણ શરૂ થઈ ગયા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
MNSનું કહેવું છે કે જોખમી વિસ્તારમાં રહેતા લોકોને અગાઉથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોત તો જાનહાનિ ટાળી શકાય તેમ હતી. પક્ષે તંત્રની પૂર્વ તૈયારી અને જોખમી ઝૂંપડીઓના પુનર્વસન અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
મુંબઈના મેયર અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈના મેયર ઋતુ તાવડે અને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. અવિનાશ ઢાકણે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ બચાવ કામગીરીની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી મદદ પહોંચાડવા માટે સૂચનાઓ આપી હતી.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.
ભારે વરસાદ વચ્ચે જોખમી વિસ્તારો માટે ચિંતા વધી
મુંબઈમાં મોન્સૂન દરમિયાન ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ઉપરાંત ભૂસ્ખલનનું જોખમ પણ રહે છે. ખાસ કરીને પહાડી વિસ્તારની બાજુમાં બનેલી ઝૂંપડીઓ માટે આવી પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે.
ઘાટકોપર દુર્ઘટના બાદ જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત જગ્યાએ ખસેડવા અને પહાડી ઢોળાવોની સ્થિતિનું નિરીક્ષણ કરવા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
હાલ બચાવ ટીમોનું મુખ્ય ધ્યાન કાટમાળમાં ફસાયેલા લોકો સુધી ઝડપથી પહોંચવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવા પર છે. મૃત્યુઆંક અથવા ઘાયલોની સંખ્યા અંગે આગળની સત્તાવાર માહિતી બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel