ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ₹67.52 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે નડિયાદના બિલોદરા ખાતે ₹6.98 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બાકરોલ ખાતે આશરે 1.20 લાખ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલી નવી જિલ્લા જેલમાં કુલ 370 કેદીઓને રાખવાની ક્ષમતા ઊભી કરવામાં આવી છે. તેમાં 330 પુરુષ કેદીઓ અને 40 મહિલા કેદીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
નવી જિલ્લા જેલને માત્ર સજા ભોગવવાનું સ્થળ નહીં, પરંતુ કેદીઓના સુધારણા અને પુનર્વસન માટેનું કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ સાથે વિવિધ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. કેદીઓમાં કૌશલ્ય વિકાસ થાય અને તેઓ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તે માટે વોકેશનલ ટ્રેનિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.
જેલ પરિસરમાં કેદીઓ માટે લાઇબ્રેરી, સ્ટડી સેન્ટર, મેડિટેશન હોલ, હોસ્પિટલ અને ઓપન એર થિયેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓનો હેતુ કેદીઓના માનસિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
સુરક્ષાની દૃષ્ટિએ પણ નવી જિલ્લા જેલને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે. જેલમાં હાર્ડકોર સેલ, હાઈટેક વોચ ટાવર, એસઆરપી બેરેક તેમજ વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાયુક્ત કોર્ટ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી કેદીઓને કોર્ટમાં હાજર કરવા સંબંધિત સુરક્ષા અને વ્યવસ્થાપનની પ્રક્રિયા વધુ સુચારુ બની શકશે.
જેલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની સુવિધાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જેલ સ્ટાફ માટે પરિસરમાં 50 રહેણાંક આવાસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ, આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર જેલ સંકુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ વિભાગો, કેદીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ જેલની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી.
બાકરોલ ખાતે તૈયાર થયેલી આ નવી જિલ્લા જેલથી આણંદ જિલ્લામાં જેલ વ્યવસ્થાપન વધુ આધુનિક અને સુવ્યવસ્થિત બનશે. સાથે જ કેદીઓની સુરક્ષા, સુધારણા, શિક્ષણ અને પુનર્વસનને કેન્દ્રસ્થાને રાખતી સુવિધાઓના કારણે આ જેલ પરંપરાગત જેલ વ્યવસ્થાથી આગળ વધીને સુધારાત્મક અભિગમનું ઉદાહરણ બનશે.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel