ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026ની 10મી આવૃત્તિનો પ્રારંભ થયો છે. દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત આ વૈશ્વિક ફોરમનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કર્યું હતું. ચાર દિવસીય ફોરમમાં 66 દેશોના 2,000થી વધુ વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.
ગાંધીનગર બન્યું સર્ક્યુલર ઇકોનોમી પર વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર
WCEF 2026નું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEF&CC), સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ગુજરાત સરકાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને ફિનલેન્ડના ઇનોવેશન ફંડ Sitraના સહયોગથી કરવામાં આવ્યું છે.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલું આ ફોરમ 18 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્ય મંત્રી પ્રવીણ માળી સહિત દેશ-વિદેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, રિસોર્સ એફિશિયન્સી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, ગ્રીન ટેક્નોલોજી અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
125થી વધુ સ્ટોલ સાથે ‘Circularity Expo’
ઉદ્ઘાટન સત્ર પહેલાં મહાનુભાવોએ વિશેષ ‘Circularity Expo’ની મુલાકાત લીધી હતી. એક્સ્પોમાં 125થી વધુ સ્ટોલ દ્વારા ગ્રીન ઇનોવેશન, વેસ્ટ-ટુ-વેલ્થ પ્રોજેક્ટ્સ, આધુનિક રિસાયક્લિંગ ટેક્નોલોજી અને સર્ક્યુલર ઇકોનોમી આધારિત વિવિધ મોડલ રજૂ કરવામાં આવ્યા છે.
આ ફોરમ દ્વારા ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશોમાં ટકાઉ ઔદ્યોગિક વિકાસ, કુદરતી સંસાધનોના અસરકારક ઉપયોગ અને કચરાને ફરી અર્થતંત્રનો ભાગ બનાવવાના નવા મોડલ અંગે વૈશ્વિક સ્તરે ચર્ચા કરવામાં આવી રહી છે.
Visited the dynamic WCEF 2026 Exhibition at Mahatma Mandir, showcasing groundbreaking innovations in waste-to-resource management, eco-design, and green technologies.
Inspiring to see the Indian and international stalls presenting practical, scalable solutions for a cleaner,… pic.twitter.com/zAwdR3Q6yU
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 15, 2026
‘Growth પણ જોઈએ અને Greenery પણ’ : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોરમને સંબોધતાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક બની શકે તે દિશામાં પ્રયાસો કર્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, “આપણને Growth પણ જોઈએ અને Greenery પણ, Industry પણ જોઈએ અને Ecology પણ જોઈએ.” તેમણે સર્ક્યુલર ઇકોનોમીને આવનારી પેઢીઓ માટે સંસાધનોના સંરક્ષણ સાથે જોડીને જોવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
સોમનાથ મંદિરનું સર્ક્યુલર મોડેલ રજૂ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અપનાવવામાં આવેલા સર્ક્યુલર ઇકોનોમી મોડેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. મંદિરમાં આવતી વિવિધ સામગ્રીને કચરા તરીકે ફેંકી દેવાને બદલે તેના પુનઃઉપયોગ અને મૂલ્યવર્ધન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
સોમનાથમાં જળાભિષેકના પ્રવાહીને શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ સ્વરૂપે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે. ફૂલ, બિલીપત્ર અને પ્રસાદીના અવશેષોમાંથી જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે.
આ ઉપરાંત પ્લાસ્ટિક કચરાના રિસાયક્લિંગ દ્વારા પેવર બ્લોક્સ તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિ સાથે સ્થાનિક સખી મંડળની મહિલાઓને રોજગારીની તકો પણ મળી રહી હોવાનું જણાવાયું હતું.
સર્ક્યુલર ઇકોનોમી માત્ર Waste Management નથી: ભૂપેન્દ્ર યાદવ
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સર્ક્યુલર ઇકોનોમીને માત્ર કચરાના નિકાલ અથવા રિસાયક્લિંગ સુધી મર્યાદિત રાખી શકાય નહીં. પ્રોડક્ટની ડિઝાઇનથી લઈને તેનો ઉપયોગ, સમારકામ, પુનઃઉપયોગ અને અંતે રિસાયક્લિંગ સુધીના સમગ્ર જીવનચક્રને તેમાં સામેલ કરવું જરૂરી છે.
તેમણે ભારતીય જીવનશૈલીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ભારતમાં સદીઓથી વસ્તુને બદલી નાખતા પહેલાં તેની મરામત અને કચરો બનાવતા પહેલાં પુનઃઉપયોગ કરવાની પરંપરા રહી છે.
Plastic, E-Waste અને Battery માટે EPR પર ભાર
કેન્દ્રીય મંત્રીએ Extended Producer Responsibility (EPR)ની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિક, ઇ-વેસ્ટ, બેટરી અને બાંધકામ સહિતના કચરાના વ્યવસ્થાપન માટે EPRનું કાયદાકીય અને ડિજિટલ માળખું વિકસાવવામાં આવ્યું છે.
સર્ક્યુલર ઇકોનોમીની સફળતાનું મૂલ્યાંકન માત્ર કેટલો કચરો રિસાયકલ થયો તેના આધારે નહીં, પરંતુ કેટલા કુદરતી સંસાધનોનો ઉપયોગ બચાવી શકાયો તેના આધારે પણ થવું જોઈએ તેવો તેમણે મત વ્યક્ત કર્યો હતો.
2050 સુધીમાં ભારતમાં $2 ટ્રિલિયનનું માર્કેટ બનવાનો અંદાજ
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સર્ક્યુલર ઇકોનોમીની આર્થિક સંભાવનાઓ અંગે જણાવ્યું કે વર્ષ 2050 સુધીમાં ભારતમાં આ ક્ષેત્રનું બજાર 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. સાથે જ એક કરોડથી વધુ ગ્રીન જોબ્સ સર્જાવાની શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે ગુજરાતના રિસાયક્લિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં 1,242 રિસાયક્લિંગ યુનિટ્સ અને 19 કો-પ્રોસેસિંગ ફેસિલિટીઝ કાર્યરત છે.
ગુજરાતમાં 41 અધિકૃત E-Waste Recyclers
અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાર્ષિક સ્તરે આશરે 63 ટકા કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવે છે. ઇ-વેસ્ટ ક્ષેત્રે રાજ્યમાં 41 અધિકૃત રિસાયકલર્સ અને 12 રિફર્બિશર્સ કાર્યરત છે.
ગુજરાતના ઔદ્યોગિક માળખાને ધ્યાનમાં રાખીને રિસાયક્લિંગ, રિયુઝ, રિસોર્સ એફિશિયન્સી અને વેસ્ટ-ટુ-વેલ્થ ક્ષેત્રોમાં નવી ટેક્નોલોજી અને રોકાણ માટે મોટી સંભાવનાઓ હોવાનું ફોરમમાં રજૂ કરવામાં આવ્યું હતું.
વૈશ્વિક પ્રતિનિધિઓએ Product Designમાં પરિવર્તન પર મૂક્યો ભાર
નેધરલેન્ડ્સના ક્લાયમેટ વિભાગના ડીજી મરિકી સ્પાઈકરબોર અને ભારતમાં ફિનલેન્ડના રાજદૂત મિકો કિવિકોસ્કીએ પણ ફોરમને સંબોધ્યો હતો. તેમણે ઉત્પાદનની ડિઝાઇનના તબક્કાથી જ કચરો ઓછો પેદા થાય અને વસ્તુઓનો લાંબા સમય સુધી પુનઃઉપયોગ થઈ શકે તેવી ટેક્નોલોજી વિકસાવવા પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય પર્યાવરણ સચિવ તન્મય કુમારે Mission LiFE અને Viksit Bharat @ 2047ના વિઝન સાથે સર્ક્યુલર ઇકોનોમીને જોડીને આગળ વધારવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
WCEF 2026 દ્વારા ગાંધીનગરમાં આગામી ચાર દિવસ સુધી સરકારો, ઉદ્યોગો, વૈજ્ઞાનિકો અને વૈશ્વિક નિષ્ણાતો સર્ક્યુલર ઇકોનોમીના નવા મોડલ, ગ્રીન જોબ્સ, રિસાયક્લિંગ અને ટકાઉ વિકાસ માટેની નીતિઓ પર ચર્ચા કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel