વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 17 અને 18 જાન્યુઆરી દરમિયાન બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ–2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરરોજ સાંજે 6:30 વાગ્યે શરૂ થઈ મોડી રાત સુધી ચાલશે.
સૂર્યમંદિરના અદભૂત સ્થાપત્યની પૃષ્ઠભૂમિમાં દેશના નામાંકિત કલાકારો પોતાની નૃત્યકલાનો મનમોહક પ્રદર્શન કરશે. આ મહોત્સવ દરમિયાન ભારતીય સંસ્કૃતિના વિવિધ શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો રજૂ કરવામાં આવશે. ખાસ કરીને ભરતનાટ્યમ, કુચિપુડી, કથક અને ઓડીસી જેવા નૃત્યો દ્વારા સૂર્યમંદિરનું સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની જશે.
મોઢેરા ખાતે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન…
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે…
ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં કલા અને… pic.twitter.com/nTByonNEMU
— Gujarat Information (@InfoGujarat) January 16, 2026
ઉત્તરાયણ બાદ સૂર્યના ઉત્તર તરફના પ્રયાણને વધાવવા માટે દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સૂર્યમંદિરના સભામંડપ અને કુંડની આસપાસ સજાવેલી રોશની વચ્ચે જ્યારે ઘૂંઘરુઓનો નાદ ગુંજે છે, ત્યારે એક અલૌકિક અને અવિસ્મરણીય દ્રશ્ય સર્જાય છે. આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
રાત્રિના સમયે સૂર્યમંદિરને રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવે છે, જે નૃત્ય પ્રદર્શનોને વધુ આકર્ષક બનાવી દે છે. ખાસ કરીને રાત્રિનું લાઈટિંગ પ્રવાસીઓ માટે આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહે છે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહોત્સવમાં આવનાર મહેમાનો અને પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ મહોત્સવને જોવા માટે માત્ર ગુજરાતમાંથી નહીં, પરંતુ દેશ-વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ‘ઉત્તરાર્ધ’ શબ્દ સૂર્યની ગતિ સાથે જોડાયેલો છે. ઉત્તરાયણ પછી સૂર્ય જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, ત્યારે તે સમયગાળાના મધ્ય ભાગને ‘ઉત્તરાર્ધ’ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન શિયાળો અંત તરફ આગળ વધે છે અને દિવસો લાંબા થવા લાગે છે.
મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરની રચના એવી અદભૂત રીતે કરવામાં આવી છે કે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરે. પ્રાચીન સમયમાં અહીં નૃત્ય અને સંગીત દ્વારા સૂર્યદેવની આરાધના થતી હતી, અને એ જ પરંપરાને જીવંત રાખવા માટે ગુજરાત સરકારે 1992થી ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ની શરૂઆત કરી હતી.
આ મહોત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને જાળવી રાખવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. ઐતિહાસિક સ્થાપત્ય અને શાસ્ત્રીય નૃત્યના સંગમથી સર્જાતું આ દિવ્ય વાતાવરણ ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ને માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ બનાવી દે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel