મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમદાવાદમાં આયોજિત ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે રમતગમતના મહત્ત્વ પર વિસ્તૃત રીતે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા જીવનના દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે, જેમાં રમતગમતનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ ભાવનાને આગળ વધારવા માટે વડાપ્રધાને વર્ષ 2010થી ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી, જેના કારણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારો સુધી રમતગમત પ્રત્યે રસ અને ઉત્સાહ વધ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા દર વર્ષે વધતી જઈ રહી છે અને આજે તે જનઆંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યું છે.
મુખ્યમંત્રીએ માહિતી આપી કે 2010માં 16 લાખ લોકોની સહભાગીતાથી શરૂ થયેલા ખેલ મહાકુંભમાં 2025ની આવૃત્તિમાં 72 લાખથી વધુ લોકો જોડાયા છે. ખેલ મહાકુંભની સફળતાના પરિણામે ગુજરાતના 16 પ્રતિભાવંત ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે પ્રાચીન ભારતીય ગ્રંથોના ઉલ્લેખ સાથે જણાવ્યું કે ભારતમાં પુરાણકાળથી રમતગમત સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો રહી છે. હજારો વર્ષ જૂના ગ્રંથોમાં 64 વિદ્યાઓ દ્વારા વ્યક્તિના કૌશલ્ય વિકાસની વાત કરવામાં આવી છે, જેમાંથી અનેક વિદ્યાઓ રમત સાથે જોડાયેલી છે, જે ભારતની સમૃદ્ધ ખેલ પરંપરાનું દ્યોતક છે.
આજે અમદાવાદ ખાતે ક્રીડા ભારતી દ્વારા આયોજિત ત્રણ દિવસીય ‘અખિલ ભારતીય અધિવેશન 2025’ ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર આનંદદાયક રહ્યો.
આ સંગઠન દ્વારા રમતગમતના માધ્યમથી શિસ્તબદ્ધ, ચારિત્ર્યવાન અને ખેલદિલ યુવાશક્તિના નિર્માણ માટે કરવામાં આવતા કાર્યો ખરેખર પ્રશંસનીય છે.
રમત… pic.twitter.com/IlH53ovcgF
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 26, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે આપણા ગ્રંથોમાં ભગવાન કૃષ્ણના બાળપણમાં ગેડીદડાની રમત રમ્યાના ઉલ્લેખ, તેમજ ગુરુ દ્રોણાચાર્યના ગુરુકુળમાં કૌરવો અને પાંડવો વચ્ચે ધનુષ્ય-બાણ અને ગદા યુદ્ધ જેવી સ્પર્ધાઓના વર્ણન મળે છે. તેમણે ઉમેર્યું કે યજુર્વેદમાં શારીરિક તાલીમ, જ્યારે અર્થવેદમાં સ્વસ્થ શરીર અને સમાજને રાજ્યની કરોડરજ્જુ તરીકે વર્ણવવામાં આવ્યા છે, જે ખેલભાવનાનું પ્રતિબિંબ છે. તેમણે ક્રીડા ભારતી સંસ્થાની પ્રશંસા કરતા કહ્યું કે આ સંસ્થા ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલી પરંપરાગત રમતોના સંરક્ષણ સાથે રમતગમત દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાંથી ઉપસ્થિત ખેલાડીઓ, પ્રશિક્ષકો અને સ્વયંસેવકોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરતાં જણાવ્યું કે ક્રીડા ભારતી ખેલાડીઓ સાથે-સાથે દેશપ્રેમ અને સંસ્કારોથી ભરપૂર ભાવિ નાગરિકો ઘડવાનું કાર્ય કરે છે. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ઓલિમ્પિકના ભાગરૂપે આગામી સમયમાં 5 વર્લ્ડ ક્લાસ રમતોના આયોજન માટે કટિબદ્ધ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ‘ક્રીડા જ્યોત’ સ્મારિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. અમદાવાદના કલ્કી તીર્થધામ, પ્રેરણપીઠ ખાતે આયોજિત ત્રિ-દિવસીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી ક્રીડા ભારતી સંસ્થાથી જોડાયેલા ખેલાડીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
અધિવેશન દરમિયાન ક્રીડા ભારતીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિવેકભાઈ પટેલએ સ્વાગત પ્રવચન કરી સૌનું આવકાર કર્યું હતું, જ્યારે અખિલ ભારતીય મહામંત્રી રાજજી ચૌધરીએ અધિવેશનની વિગતો અને સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ ગોપાલજી સૈની, મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી અને ક્રીડા ભારતીના કાર્યકારી અધ્યક્ષ ચૈતન્યજી કશ્યપ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મીનેષભાઈ, મહાનગર અધ્યક્ષ આનંદભાઈ, ગુજરાત પ્રદેશ મંત્રી ચિરાગભાઈ સહિત સમગ્ર દેશમાંથી ક્રીડા ભારતી સાથે જોડાયેલા અગ્રણીઓ અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel