અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં આવતી કાલે મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં યોજાનારી વિશાળ મહારક્તદાન શિબિરને ધ્યાનમાં રાખીને શાળાઓનો સમય સવારનો રાખવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલશે, ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓને રક્તદાન શિબિરમાં જોડાવા અને તેનો પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
વિગતવાર માહિતી મુજબ, ભારત સરકારના ઓપરેશન સિંદુરના સફળ આયોજન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર 16 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ગુજરાતભરમાં 300થી વધુ સ્થળોએ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ વિભાગો અને કર્મચારીઓ આ શિબિરમાં સક્રિય રીતે ભાગ લેશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ પોતાના યોગદાન માટે જોડાઈ શકે તે માટે ખાસ શાળાના સમયમાં આ એક દિવસનો ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગે આ જાહેરનામું રાજ્યના તમામ જિલ્લાઓ અને શાળાઓને મોકલીને સુચના આપી છે કે વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ ફેલાવવી તથા શિક્ષકોને રક્તદાન જેવા માનવતાવાદી કાર્યોમાં ભાગ લેવા તક આપવામાં આવવી જોઈએ. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પણ સમાજ સેવા, માનવતા અને રક્તદાનના મહત્વ વિશે સમજાવવાનો ખાસ ઉપક્રમ હાથ ધરવામાં આવશે. આમ, આ નિર્ણય માત્ર શૈક્ષણિક સમયસૂચીમાં ફેરફાર નથી, પરંતુ સામાજિક જવાબદારીને શિક્ષણ સાથે જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel