મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘પરિવર્તન સભા’ દરમિયાન ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. એક તરફ મંચ પરથી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પરિવર્તન અને વિકાસની વાતો કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પાર્ટીના જ સહ-પ્રભારી હિતુભા રાઠોડે ખુલ્લેઆમ બળવો કરતા રાજકારણ ગરમાયું હતું. સભા દરમિયાન જ હિતુભા રાઠોડે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે પાર્ટીમાં અંદરખાને ભાજપ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને અહીં સામાન્ય તથા નાના કાર્યકર્તાઓની કોઈ કદર નથી. તેમણે જનતાને અપીલ કરી હતી કે કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં, કારણ કે આ પાર્ટી ગરીબોની નહીં પરંતુ અમીરો અને ગુંડાઓની પાર્ટી બની ગઈ છે.
હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતા તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે પાર્ટી પોલીસને ‘ટોમી’ કહે છે અને પટ્ટા ગળામાં પહેરાવવાની ભાષા વાપરે છે, તે સત્તામાં આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવી ગુજરાતમાં ગુંડારાજ ચલાવશે. આવી તાનાશાહી અને દબાણ સહન ન થતાં તેમણે જાહેરમાં જ પાર્ટીથી છેડો ફાડીને રાજીનામું આપ્યું હોવાનું જાહેર કર્યું હતું.
સભાના સ્થળની બહાર પણ ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા હતા. પરિવર્તનના દાવા કરતી પાર્ટીના ખેસ રસ્તા પર રઝળતા નજરે પડ્યા હતા અને હાજર લોકોએ પણ આ આંતરિક ખેંચતાણ પર નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટીની આંતરિક ફૂટ અને આક્ષેપો કારણે સભાનો મૂળ ઉદ્દેશ બાજુ પર રહી ગયો હતો અને આખા કાર્યક્રમ દરમિયાન રાજીનામું અને આરોપ-પ્રત્યારોપની ચર્ચા હાવી રહી હતી.
બીજી તરફ, મંચ પરથી ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યોના કામ અધિકારીઓ કરતા નથી અને વેપારીઓ તથા કારખાનેદારો પર દબાણ વધ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો પરિવર્તન નિશ્ચિત છે. જોકે, પાર્ટીની અંદરથી ઊભેલા આ બળવાએ તેમના દાવાઓ સામે પણ મોટા પ્રશ્નચિહ્નો ઊભા કર્યા છે.
મોરબીમાં AAPએ ભલે શક્તિપ્રદર્શન કર્યું હોય, પરંતુ સહ-પ્રભારીના રાજીનામા અને ગંભીર આક્ષેપોએ પાર્ટીના આંતરિક અસંતોષને જાહેર કરી દીધો છે, જે આગામી દિવસોમાં પાર્ટી માટે મોટો પડકાર બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel