બલૂચિસ્તાનમાં ફરી એકવાર હિંસક અથડામણ સામે આવી છે, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓએ કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર પ્રાણઘાતક હુમલો કર્યો, જેમાં એલિટ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)ના બે કમાન્ડો સહિત કુલ નવ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હોવાનું અહેવાલોમાં જણાય છે.
સ્થાનિક સૂત્રો અનુસાર, આ હુમલો રાત્રિના સમયે થયેલો હતો, જ્યારે પાકિસ્તાની સેનાનો કાફલો નિયમિત પેટ્રોલિંગ મિશન પર હતો. BLAના લડવૈયાઓએ ઘાતક રીતે આયોજન કરીને સેનાના કાફલાને ઘેરી લીધો અને હુમલો શરૂ કર્યો. હુમલામાં સ્નાઈપર્સ તથા રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) જેવી અત્યાધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. RPGના હુમલામાં સેનાના બે વાહનો સંપૂર્ણપણે નષ્ટ થયા હતા, જ્યારે અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું. બંને પક્ષો વચ્ચે લગભગ 50 મિનિટ સુધી સતત ગોળીબાર ચાલ્યો, જેમાં સેનાના અનેક જવાનો ઘાયલ થયા.
હુમલા બાદ BLAના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને હુમલાની જવાબદારી સ્વીકારી અને જણાવ્યું કે “અમારા લડવૈયાઓએ કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાના ત્રણ વાહનોને સીધો નિશાનો બનાવ્યો હતો. હુમલામાં અનેક પાકિસ્તાની જવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા.” પ્રવક્તાએ આ હુમલાને “બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટેનો બદલો” ગણાવ્યો.
પાકિસ્તાની સેનાએ હુમલા બાદ તાત્કાલિક વિસ્તારને ઘેરીને વિશાળ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ અહેવાલ મુજબ હુમલાખોરો પહેલેથી જ પહાડી વિસ્તારોમાં ભાગી છૂટ્યા હતા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બળવાખોર પ્રવૃત્તિઓમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે.
ગયા કેટલાક મહિનાઓમાં BLAએ અનેક હુમલાઓની જવાબદારી લીધી છે, જેમાં સેંકડો પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓ મોતને ભેટ્યા છે. BLA બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહેલા સૌથી શક્તિશાળી બળવાખોર સંગઠનોમાંનું એક છે. તેનું લક્ષ્ય પાકિસ્તાનથી બલૂચિસ્તાનને અલગ કરીને સ્વતંત્ર બલૂચ રાજ્યની સ્થાપના કરવાનો છે.
યાદ રાખવા જેવી વાત છે કે આ વર્ષે માર્ચ મહિનામાં BLAએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કરીને પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો, જેમાં મુસાફરોથી ભરેલી ટ્રેનને કબજે લીધા બાદ પાકિસ્તાની સેનાને ટ્રેન મુક્ત કરાવવામાં 36 કલાકનો સમય લાગ્યો હતો. તે ઓપરેશન દરમિયાન પણ અનેક સૈનિકો માર્યા ગયા હતા.
આ તાજેતરનો કલાત જિલ્લાનો હુમલો પાકિસ્તાન માટે બલૂચિસ્તાનમાં વધતા અસંતોષ અને સુરક્ષા નબળાઈની નવી ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે બલૂચિસ્તાનમાં બળવાખોર પ્રવૃત્તિઓ રોકવા માટે પાકિસ્તાની સેનાની તીવ્ર કાર્યવાહી છતાં, સ્થાનિક અસંતોષ અને વિખવાદી સંગઠનોની વધતી શક્તિએ આ વિસ્તારને અસ્થિર બનાવી દીધો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel