બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત પાલનપુર ખાતેના નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક માનસિક અસ્થિર મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવતાં પરિવારે જિલ્લા કલેક્ટર સહિત સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. અંદાજિત આશરે ૪૦ વર્ષીય મંજુલાબેન (નામ બદલેલ છે) છેલ્લા એક મહિનો અને દસ દિવસથી પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય લઈ રહ્યા હતા.
આ બહેનને ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા અજાણ્યા વ્યક્તિની જાણ પછી નારી સંરક્ષણ કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. ભાષાની અસંમજતાને લીધે તેમના વતન તથા પરિવાર વિશેની માહિતી મળી શકી નહોતી. નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર નીલોફરબેનના સતત કાઉન્સેલિંગ તેમજ મહેનતથી આ બહેનની ભાષાની ઓળખ કરી, લોકલ લોકો તેમજ સરપંચના સંપર્ક દ્વારા પરિવાર શોધવામાં આવ્યો હતો.
વિડીયો કોલ દ્વારા ઓળખ થયા પછી આ બહેનના પતિએ પુષ્ટિ કરી કે તેઓ તેમના જીવનસાથી છે અને અત્યારસુધી ગુમ થયેલ હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવેલી છે. આધાર કાર્ડથી વિગતો મળ્યા બાદ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલની મંજૂરીથી બહેનનું પુનઃસ્થાપન કરાવવામાં આવ્યું હતું. બહેનના પતિ તેમજ પરિવારજનોએ જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર તેમજ સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
નારી સંરક્ષણ કેન્દ્રમાં ૧૮ થી ૫૯ વર્ષ વચ્ચેના પીડિત, અનાથ, દિવ્યાંગ, ઘરેલું હિંસાનો ભોગ બનેલી તેમજ માનવ તસ્કરીથી પીડિત બહેનોને આશરો આપવામાં આવે છે. તેમની માનસિક, શૈક્ષણિક અને આર્થિક પુનઃસ્થાપન માટે સેવાઓ અને તાલીમ આપવાનું કાર્ય સતત ચાલુ રહે છે.