શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ આજથી (1 સપ્ટેમ્બર) ભવ્ય રીતે થયો છે, જે સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહામેળામાં આશરે 30 લાખથી વધુ ભક્તો માતા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે ઉમટી પડશે તેવી ધારણા છે. હાલ અંબાજી મંદિર તરફ જતાં માર્ગો પર સંઘો અને યાત્રાળુઓનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વર્ષે 7મી સપ્ટેમ્બર, ભાદરવી પૂનમના મુખ્ય દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે 5 વાગ્યા બાદ મંદિરના દર્શન બંધ રહેશે.
દર્શનાર્થીઓને સરળતાથી દર્શન મળી શકે તે માટે ટ્રસ્ટ અને સ્થાનિક તંત્રે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરી છે. બસ સ્ટેન્ડથી મંદિર સુધી રેલિંગ બનાવવામાં આવી છે જેથી યાત્રાળુઓ સુવ્યવસ્થિત લાઈનમાં જઈ શકે. લાઈનમાં જ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે. દર્શન બાદ યાત્રાળુઓ બહાર નીકળી શકે તે માટે શક્તિદ્વારની બાજુના યાત્રિક પ્લાઝા, હવનશાળા પાસેનો ગેટ 7 અને ભેરવજી મંદિર તરફનો ગેટ 8 ઉપયોગમાં લેવાશે. દંડવત પ્રણામ કરનારા, દિવ્યાંગ, વ્હીલચેર યાત્રિકો, સિનિયર સિટીઝન અને ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તેમને બસ સ્ટેન્ડથી સીધા મંદિર સુધી લઈ જવામાં આવશે. દર્શન પ્રવેશ સ્થળેથી મંદિર સુધી વ્હીલચેર અને ઈલેક્ટ્રિક વાહન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
આ વર્ષે મેળાની એક વિશેષતા તરીકે ચાર અલગ-અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ ઊભા કરાયા છે, જેમાં આશરે 1200 બેડની સુવિધા છે. આ ડોમોમાં યાત્રાળુઓ માટે મલ્ટીપર્પઝ હોલ, શૌચાલય, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, પીવાના પાણી, હાઉસકીપિંગ, અગ્નિશામક સાધનો, સમાન મુકવાની સુવિધા અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મહામેળામાં પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ 3 અને 4 સપ્ટેમ્બરે રાત્રે 8.30 વાગ્યે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન માતાજીના મંદિરની છબી, “જય માતાજી”નું લખાણ, ત્રિશૂલ અને શક્તિના પ્રતિકોની અદભુત રચનાઓ પ્રદર્શિત કરશે, જે ભક્તો માટે અનોખો અનુભવ બનશે.
પાર્કિંગની દૃષ્ટિએ 1,83,855 ચોરસ મીટર વિસ્તારમાં કુલ 35 પાર્કિંગ બનાવવામાં આવ્યા છે, જેમાં 22,541 કરતાં વધુ વાહનો પાર્ક થઈ શકે છે. દાંતા રોડ પર 23 અને હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે. શ્રદ્ધાળુઓ “Show My Parking” એપ દ્વારા ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે છે. પાર્કિંગથી મંદિર સુધી આવવા-જવા માટે મફત મીની બસ સેવા ઉપલબ્ધ છે.
પ્રસાદ વિતરણ માટે 28 કેન્દ્રો ઊભા કરાયા છે, જ્યાં મેળા દરમિયાન કુલ 1000થી 1200 ઘાણ જેટલો પ્રસાદ તૈયાર થશે. એક ઘાણમાં 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. પ્રસાદ બનાવવાના કાર્યમાં 750 જેટલા કારીગરો જોડાશે અને મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદ પેકેટોનું વિતરણ કરવામાં આવશે. યાત્રાળુઓ માટે કુલ ચાર સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ છે.
સુરક્ષા માટે ત્રણ સ્તરના બંદોબસ્ત સાથે 5000 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવા 332થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
દર્શન સમયનિર્માણ પણ સ્પષ્ટ રાખવામાં આવ્યું છે — સવારે 6 થી 6.30 સુધી આરતી, સવારે 6 થી 11.30 સુધી દર્શન, 11.30 થી 12.30 દરમિયાન દર્શન બંધ રહેશે. ત્યારબાદ બપોરે 12.30 થી સાંજે 5 સુધી દર્શન થશે અને પછી સાંજે 5 થી રાત્રે 12 સુધી દર્શન ખુલ્લા રહેશે. રાત્રે 12 થી સવારે 6 સુધી દર્શન બંધ રહેશે.
આ રીતે અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે આધુનિક સુવિધાઓ, ભવ્ય આયોજન અને ભક્તિભાવ સાથે દેશ-વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે યાદગાર અનુભવ બની રહેવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel