દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર હેઠળ ભારતમાં આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓમાં ભારે તબાહી જોવા મળી છે. આવા તાજેતરના ત્રાસદાયક પરિસ્થિતિઓને પગલે કેન્દ્રીય સરકારે તાત્કાલિક રાહતના ભાગરૂપે આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ જેવા વધુ અસરગ્રસ્ત રાજ્યોને કુલ ₹1,066.80 કરોડની સહાય આપવાની મંજૂરી આપી છે. આ રકમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) માંથી કેન્દ્રના હિસ્સા તરીકે આપવામાં આવશે, જે રાજ્ય સરકારના પ્રયાસોને બળ આપશે.
વિગતવાર જોવાતું કે, આ ફંડમાંથી સૌથી વધુ ઉત્તરાખંડને ₹455.60 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યાં તાજેતરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 22 લોકોના મૃત્યુ થયા અને હજારો લોકો બેઘર બન્યા છે. આસામને ₹375.60 કરોડ, જ્યારે કેરળને ₹153.20 કરોડ ફાળવવામાં આવ્યા છે. બાકીના રાજ્યોમાં મણિપુરને ₹29.20 કરોડ, મેઘાલયને ₹30.40 કરોડ અને મિઝોરમને ₹22.80 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ વર્ષે કુલ 26 રાજ્યોને ₹8,154.91 કરોડની સહાય મળીઃ
કેન્દ્ર સરકારે વર્ષ 2025ના ચોમાસા દરમિયાન કુલ 26 રાજ્યોને રાહત અને પુનઃસ્થાપન માટે ₹8,154.91 કરોડનું ફંડ ફાળવ્યું છે. તેમાં SDRFમાંથી 14 રાજ્યોને ₹6,166 કરોડ, જ્યારે NDRF (National Disaster Response Fund)માંથી 12 રાજ્યોને ₹1,988.91 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત, વધુ પાંચ રાજ્યોને ₹725.20 કરોડ, અને બે રાજ્યોને ₹17.55 કરોડ પણ અલગથી આપવામાં આવ્યા છે.
એનડીઆરએફ ટીમોનો વ્યાપક જામાવટઃ
કેન્દ્ર સરકારે માત્ર નાણાકીય સહાય જ નહીં, પરંતુ લોજિસ્ટિકલ સપોર્ટ અને માનવશક્તિની પણ પુષ્કળ વ્યવસ્થા કરી છે. અત્યારસુધીમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 104 એનડીઆરએફ (NDRF) ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે સેના, વાયુસેના અને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરી બચાવ-રાહત કામગીરીને ઝડપી અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકારનું આ સહયોગી વલણ, પ્રાકૃતિક આપત્તિઓ સામે લડી રહેલા રાજ્યોને તરત રાહત આપવાનો અને પુનઃસ્થાપન માટે સહાય કરવા માટેનો ગંભીર પ્રયાસ છે. પણ લાંબા ગાળાની દૃષ્ટિએ, આવી આપત્તિઓ સામે સંવેદનશીલ પ્રદેશોમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સમયસર જાળવણી અને આગાહી સિસ્ટમનું સશક્તીકરણ નિતાંત આવશ્યક બની રહ્યું છે.